‘પીએમ-ઈબસ સેવા’ હેઠળ દોડતી 70 વાતાનુકૂલિત ઇલેક્ટ્રિક બસ

વિદ્યાર્થીઓ, નોકરિયાતો, રોજિંદા મુસાફરોની સફર વધુ સરળ બની

મનપા દ્વારા કાર્યરત બસ સેવામાં વિવિધ રૂટને આવરી લેવાયા

લાંબું અંતર કાપતા મુસાફરોને ઘરઆંગણે મળતી પરિવહન સુવિધા

પ્રદૂષણ વિના દોડતી બસ જાહેર પરિવહનનો સ્વચ્છ-ટકાઉ વિકલ્પ

ગાંધીનગરમાં ‘પીએમ-ઈબસ સેવા’ હેઠળ દોડતી 70 વાતાનુકૂલિત ઇલેક્ટ્રિક બસોએ વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને રોજિંદા મુસાફરોની સફરને સરળ, કિફાયતી અને પ્રદૂષણમુક્ત બનાવી છે.

રહેણાંક વિસ્તારોની નજીક બસ સ્ટોપ અને આસપાસના તાલુકાઓ સુધીની સીધી કનેક્ટિવિટીથી હજારો નાગરિકોના સમય અને નાણાંની બચત થઈ રહી છે, ત્યારે ગાંધીનગરમાં હાઈટેક ઇલેક્ટ્રિક બસ સેવા મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કાર્યરત કરાયેલી આ બસો સચિવાલય, મહાત્મા મંદિર, ગિફ્ટ સિટી અને રેલવે સ્ટેશન ઉપરાંત કલોલ, દહેગામ, માણસા તેમજ અમદાવાદના ચાંદખેડા, વૈષ્ણોદેવી અને ઇન્દિરા બ્રિજ જેવા વિસ્તારોને જોડે છે. ટેકનિકલ સપોર્ટ યુનિટના આંકડાકીય અભ્યાસ બાદ રોજગાર અને શિક્ષણ અર્થે અવરજવર કરતા મુસાફરોની સુવિધા મુજબ બસોના રૂટ અને સમય નક્કી કરાયા છે.

જોકે, રહેણાંક વિસ્તારોની નજીક બસ સ્ટોપ બનાવાયા હોવાથી લાંબું અંતર કાપતા વિદ્યાર્થીઓને ઘરઆંગણેથી જ પરિવહન સુવિધા મળે છે. મુસાફરોની સુરક્ષા અને સુગમતા માટે બસોમાં સીસીટીવી કેમેરા, એસઓએસ (SOS) એલર્ટ, ડિજિટલ ટિકિટિંગ અને દિવ્યાંગોની વ્હીલચેર માટે હાઇડ્રોલિક પ્લેટફોર્મની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. આરામદાયક બેઠકો, ઉત્તમ એર કન્ડિશનિંગ અને પરવડે તેવા ભાડાને કારણે મુસાફરોની સફર વધુ સુખદ બની છે. ધુમાડા અને પ્રદૂષણ વિના દોડતી આ બસો ગાંધીનગરના જાહેર પરિવહનનો સ્વચ્છ અને ટકાઉ વિકલ્પ બની રહી છે.