સુરતમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખી ઘોડદોડ રોડના મીઠાઈ વિક્રેતા દ્વારા ખાસ પ્રકારની મીઠાઈ તૈયાર કરવામાં આવી છે. જે મીઠાઈનો ભાવ સાંભળી તમે પણ અંચબા પડી જશો. મીઠાઈ વિક્રેતા દ્વારા તૈયાર કરવામાં આવેલી 9 હજાર રૂપિયા કિલોની કિંમતની આ મીઠાઈ સુરતીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે. 

રક્ષાબંધનના પર્વ દરમ્યાન સુરતમાં મીઠાઈ વિક્રેતાઓ દ્વારા અલગ અલગ વેરાયટીઝ અને ફ્લેવરની મીઠાઈ તૈયાર કરવામાં આવે છે. રક્ષાબંધનના પર્વને હવે માંડ ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ઘોડદોડ રોડના મીઠાઈ વિક્રેતા દ્વારા ખાસ પ્રકારની ગોલ્ડ સ્વીટ્સ તૈયાર કરવામાં આવી છે. જેને સુરતીઓ હાલ ગોલ્ડ મીઠાઈ તરીકે ઓળખે છે. જેમ અન્ય મીઠાઈ પર ચાંદીની વરખ ચઢાવવામાં આવે છે, તેજ રીતે આ મીઠાઈ પર અસલ સોનાની વરખ ચઢાવવામ આવી છે. જે લોકોના આરોગ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

આ મીઠાઈની કિંમત 9 હજાર રૂપિયા પ્રતિ કિલો છે. જે મીઠાઈની ખરીદી સામાન્ય વર્ગ માટે શક્ય નથી. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મીઠાઈના ભાવમાં 40 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જોકે, શ્રીમંત પરિવારો દ્વારા આ મીઠાઈની ખરીદી કરવામાં આવી રહી છે. તો સાથે જ વિદેશ રહેતા પોતાના સ્વજનોને કઈક અલગ ભેટ આપવા સુરતથી ખાસ પોસ્ટ મારફતે આ મીઠાઈ મોકલવામાં આવી રહી છે, ત્યારે હાલ તો આ ગોલ્ડ મીઠાઇ સુરતીઓમાં ભારે આકર્ષણ જમાવી રહી છે. ગત વર્ષે ગ્રાહકી મંદ રહી હતી. જોકે, આ વર્ષે ગ્રાહકીમાં તેજીનો માહોલ રહે તેવો આશાવાદ મીઠાઈ વિક્રેતા દ્વારા વ્યક્ત કરાયો છે.