ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ખાસ કરીને 31 જુલાઈના રોજ અમદાવાદ અને સુરત સહિતના 8 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદના રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને ગાંધીનગર ખાતે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) માં એક ઉચ્ચસ્તરીય ‘વેધર વૉચ ગ્રુપ’ની બેઠક યોજાઈ હતી. રાહત કમિશનર શ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં તમામ વિભાગોને એલર્ટ રહીને બચાવ કામગીરી માટે સાધનો અને ટીમોનું મેપિંગ કરી લેવા કડક સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ પણ આપત્તિના સમયે નાગરિકોને ઝડપથી મદદ પહોંચાડી શકાય.

હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આવનારા દિવસોમાં રાજ્યમાં વરસાદની તીવ્રતા હજુ વધશે. 31 જુલાઈની વાત કરીએ તો અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જેથી અહીં ‘રેડ એલર્ટ’ અપાયું છે. જ્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરાયું છે. આ ઉપરાંત, 29 અને 30 જુલાઈના રોજ પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 1 ઓગસ્ટે ઉત્તર ગુજરાતનો વારો છે, જ્યાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ ખાબકવાની પૂરી સંભાવના છે.

આવી ગંભીર આગાહીને પગલે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ તમામ વિભાગોની તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. ભારે પવન અને વરસાદને કારણે થતા નુકસાનને ટાળવા માટે માર્ગ અને મકાન વિભાગ તેમજ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને જોખમી હોર્ડિંગ્સ, બેનરો અને જર્જરિત ઈમારતો તાત્કાલિક અસરથી હટાવી લેવા જણાવાયું છે. કમિશનરશ્રીએ ખાસ ભાર મૂક્યો હતો કે વરસાદની કોઈ પણ ચેતવણી કે મેસેજ છેવાડાના સામાન્ય માનવી અને મજૂર વર્ગ સુધી સમયસર પહોંચવા જ જોઈએ. મોટાભાગે કાચા મકાનો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો આપત્તિનો સૌથી વધુ ભોગ બનતા હોય છે, તેથી તેમની સુરક્ષા માટે એક્સ્ટ્રા કેર લેવા તાકીદ કરાઈ છે. આ માટે તમામ વિભાગના અધિકારીઓને કલેક્ટર સાથે બેઠક યોજીને તુરંત એક્શન માટે તૈયાર રહેવા આદેશ કરાયો છે.