મિશન ઈમ્પોસિબલનું નામ પડે એટલે સૌથી પહેલા જે નામ યાદ આવે એ છે સ્ટાર ટોમ ક્રૂઝ. તે હંમેશા પોતાના એક્શન સીનથી નવા બેંચમાર્ક સેટ કરીને સૌ કોઈને દંગ કરી દે છે. ડિરેક્ટર ક્રિસ્ટોફર મેક્ક્વારી મિશન ઇમ્પોસિબલની સાતમી અને આઠમી શ્રેણી હાલ એકસાથે શૂટ કરી રહ્યા છે. એક નવી BTS ક્લિપમાં ખીણમાં તૂટેલા પાટા પર ટ્રેન અથડાતી દેખાડવામા આવી રહી છે.

આ અદભૂત એક્શન દ્રશ્ય તાજેતરમાં જ ડર્બીશાયરમાં શૂટ કરવામાં આવ્યું હતું. મિશન ઇમ્પોસિબલના સાતમા ભાગના લેટેસ્ટ સ્ટંટ શૂટિંગ દરમિયાન હાજર સ્થાનિક ફોટોગ્રાફરો અને લોકોએ આ ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરી અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી. મિશન: ઈમ્પોસિબલ-7 ના શૂટિંગ સેટનો ફોટો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. ટોમ ક્રૂઝ ફિલ્મસેટની ટિમ સાથે એક એવા દ્રશ્યનું શૂટિંગ કરી રહ્યા છે કે જેમાં એક ટ્રેન ખડક પર અથડાયા બાદ ક્રેશ થઈ જાય છે.ડર્બીશાયરના સ્ટોની મિડલટનમાં આ ફિલ્મના શૂટિંગ માટે મહિનાઓથી સેટ તૈયાર કરવામા આવી રહ્યો હતો. અહીંના સ્થાનિક ફોટોગ્રાફર જીમે સોશિયલ મીડિયા પર આ વિડીયો કલીપ શેર કરતાની સાથે લખ્યુ કે, ’20 મિનિટ પહેલા શૂટ થયેલા આ સીન માટે હું 5 મહિનાથી રાહ જોઈ રહ્યો હતો. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ટોમ ક્રૂઝ પણ હાજર હતા. અમેઝિંગ ડે !જ્યારે આ સ્ટંટ સીન શૂટ કરવામા આવી રહ્યો હતો ત્યારે બેકગ્રાઉન્ડમાં એક હેલિકોપ્ટર પણ ઉડતું જોવા મળ્યું હતુ. તમને જણાવી દઈએ કે, હોલીવુડ અભિનેતા ટોમ ક્રૂઝ પોતાના તમામ સ્ટંટ જાતે કરવા માટે જાણીતા છે. કોરોના રોગચાળાને કારણે ‘મિશન ઇમ્પોસિબલ-7’ નું શૂટિંગ અને રિલીઝ અટકી ગયું હતું. હાલ તેને વર્ષ 2022 માં રિલીઝ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. ટોમ ક્રુઝ સિવાય હેનરી, સિમોન પેગ, રેબેકા ફર્ગ્યુસન, વેનેસા કિર્બી અને ફ્રેડરિક પણ આ ફિલ્મમાં જોવા મળશે. મિશન: ઈમ્પોસિબલ-8 વર્ષ 2023માં રિલીઝ થશે.