ભરૂચના ઝાડેશ્વરનો બનાવ

કલાસ વન અધિકારીએ કર્યો આપઘાત

ઘરમાં જ ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો

સ્યુસાઈડ નોટમાં દેવાનો ઉલ્લેખ

સી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં એક યુવા સરકારી અધિકારીએ પોતાના નિવાસસ્થાને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાસ્થળેથી મળેલી નોંધમાં આર્થિક તંગી, લોન અને ક્રેડિટ કાર્ડના દેવાના વધતા બોજનો ઉલ્લેખ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

ભરૂચના ઝાડેશ્વર સ્થિત રામેશ્વર પાર્ક સોસાયટીમાં ભાડે રહેતા આયોજન વિભાગના 35 વર્ષીય ક્લાસ-વન અધિકારી પિયુષ ઉકાણીએ પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.ઘટનાની જાણ થતાં સી-ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસને સ્થળ પરથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં આર્થિક સંકટ, લોન અને ક્રેડિટ કાર્ડના દેવાના કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવમાં હોવાનું લખાયેલું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. સમગ્ર ઘટનામાં વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાના ચોક્કસ કારણો અંગે સ્પષ્ટતા થઈ શકશે.અત્રે ઉલ્લેનીય છે કે પિયુષ ઉકાણીની એક માસ પૂર્વે જ ભરૂચ બદલી થઈ હતી અને પરિવારજનો બહારગામ ગયા હતા એ દરમ્યાન ગળેફાંસો લગાવી અંતિમવાદી પગલુ ભર્યું હોવાનું ચર્ચાય રહ્યું છે