ભરૂચમાં ગણેશ ઉત્સવ અને દશામાંના તહેવાર પૂર્વે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ પર પ્રતિબંધના જાહેરનામાનો કડકપણે અમલ કરવાની માંગ સાથે સતચેતના પર્યાવરણ સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
ભરૂચમાં આગામી ગણેશોત્સવ અને દશામાના તહેવારોને ધ્યાનમાં રાખીને પર્યાવરણ બચાવવાની માંગ સાથે સત્ ચેતના પર્યાવરણ સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સંગઠને રજૂઆતમાં જણાવ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી માટીની મૂર્તિઓના ઉપયોગ અંગે લોકોમાં જાગૃતિ લાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના પરિણામે ભરૂચ જિલ્લામાં માટીની મૂર્તિઓનું સ્થાપન વધ્યું છે. તેમ છતાં હજુ પણ POP પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી મૂર્તિઓનું ઉત્પાદન, વેચાણ અને કુદરતી જળાશયોમાં વિસર્જન થતું હોવાથી પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે.આવેદનમાં વર્ષ 2026ના ગણેશોત્સવ અને દશામાના તહેવારો દરમિયાન POPની મૂર્તિઓના ઉત્પાદન, વેચાણ અને વિસર્જન પર અસરકારક પ્રતિબંધ લાદવા, તેમજ કાયદાનું કડક પાલન કરાવવા માટે જિલ્લા તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
