ભરૂચ જીલ્લામાં ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 10 અને ભરૂચ તાલુકા પંચાયતની નિકોરા બેઠક માટે પેટા ચૂંટણી યોજાય હતી.

આજે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની 11 વોર્ડની 44 બેઠક માટે મતદાન યોજાયું હતું તો સાથે જ રાજ્યમાં વિવિધ નગરપાલિકાની 42 બેઠક પર 117 ઉમેદવાર અને વિવિધ તાલુકા પંચાયતની 43 બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી જે અંતર્ગત ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 10ની પેટા ચૂંટણી યોજાઇ હતી જેમાં ચતુષ્કોણીય જંગ જોવા મળ્યો હતો. વૉર્ડ નંબર 10ના કોંગ્રેસના મહિલા નગર સેવિકાનું કોરોનાના કારણે નિધન થતાં આજરોજ ચૂંટણી યોજાય હતી જેમાં ભાજપમાંથી ફાતમાંબહેન ફઝલ પટેલ,કોંગ્રેસમાંથી સાયરબહેન મોહમ્મદ શેખ, AIMIMમાંથી સદીકબીબી શેખ અને આમ આદમી પાર્ટીમાંથી ફરીદબાનું ઝફર શેખે ઉમેદવારી નોધાવી હતી. સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. કોઈ અનિરછનિય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠાવાયો હતો. વોર્ડ નંબર 10માં 16,000 મતદારો નોંધાયા હતા.

આ તરફ ભરૂચ તાલુકા પંચાયતની એક બેઠક માટે પણ પેટા ચૂંટણી યોજાય હતી. ભરૂચ તાલુકા પંચાયતની નિકોરા બેઠકના ભાજપના સભ્ય ધર્મિષ્ઠાબેન જગદીશભાઈ માછીનું નિધન થતા પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં બીજેપી તરફથી રેવાબેન કલ્પેશભાઈ પટેલ અને કોંગ્રેસ તરફથી માધુરીબેન પ્રકાશભાઈ પસાએ ઉમેદવારી નોંધાવી છે. આ બેઠક જીતવા માટે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રણા બુથ પર ખડેપગે તૈનાત રહ્યા હતા અને પોતાના પક્ષના ઉમેદવારને જિતાડવા માટે કમર કસી હતી. નિકોરા બેઠક પર 7,200 મતદારો નોધાયા છે.

ભરૂચ જીલ્લામાં ગત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભગવો લહેરાયો હતો જેમાં 4 નગર પાલિકા,9 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપની સત્તા છે ત્યારે આજે યોજાયેલ ચૂંટણીનું શું પરિણામ આવે છે એ જોવાનું રહશે, આગામી તારીખ 5મી ઓક્ટોબરના રોજ પેટા ચૂંટણીની મતગણતરી યોજાશે.