-
કોરોના કાળની નાનકડી શરૂઆત બની જ્ઞાનધામ
-
એક જર્જરિત હોલમાંથી અત્યાધુનિક ભવન સુધી
-
વતન પ્રેમ યોજનાએ બદલ્યું આદિવાસી વિસ્તારનું ભાગ્ય
-
લોકભાગીદારી અને સરકારી ગ્રાન્ટથી 24 કલાક ચાલતું ‘જ્ઞાનધામ
-
નાની ભટલાવ ગામમાં રૂ.17.50 લાખના ખર્ચે ભવ્ય લાઈબ્રેરી તૈયાર
સુરતના નાની ભટલાવ ગામનું “જ્ઞાનધામ” એટલે કે લાઈબ્રેરી રૂપિયા 7 લાખના લોકભાગીદારીના દાન અને રૂપિયા 10.50 લાખની સરકારી ગ્રાન્ટની મદદથી બે માળના ભવ્ય ભવનમાં પરિવર્તિત થઈ છે. આદિવાસી વિસ્તારના 15થી 20 ગામોના વિદ્યાર્થીઓ માટે 24 કલાક વિનામૂલ્યે કાર્યરત આ કેન્દ્ર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આશીર્વાદરૂપ બન્યું છે.
કોરોના કાળમાં એક જર્જરિત હોલમાંથી શરૂ થયેલી નાનકડી લાઇબ્રેરી આજે ગુજરાત સરકારની ‘વતન પ્રેમ યોજના’ હેઠળ અત્યાધુનિક જ્ઞાનધામ બની છે. નાની ભટલાવ ગામની આ મોર્ડન લાઈબ્રેરી ગ્રામીણ વિસ્તારના યુવાનોના સપનાને નવી પાંખો આપી રહી છે. ઇન્ટરનેટ અને ડિજિટલ કનેક્ટિવિટીથી સજ્જ આ કેન્દ્રમાં વિદ્યાર્થીઓને શહેરો તરફ દોડ્યા વગર પોતાના જ ગામમાં હાઈ-સ્પીડ વાઈ-ફાઈ અને પુસ્તકોની ઉત્તમ સુવિધા મળી રહે છે.
123 થી વધુ વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતું આ સંકુલ દીકરા-દીકરીઓ માટે સુરક્ષિત અને શાંત વાતાવરણ પૂરું પાડે છે.અહીં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મોક ટેસ્ટનું પણ આયોજન થાય છે. એટલું જ નહીં, દૂરના શહેરોમાં પરીક્ષા કેન્દ્રો હોય ત્યારે વિદ્યાર્થીઓને ત્યાં સુધી પહોંચાડવા માટે વાહનની વ્યવસ્થા પણ લાઈબ્રેરી દ્વારા કરવામાં આવે છે.
રોજના 100 થી વધુ પરીક્ષાર્થીઓથી ધમધમતા આ સંકુલમાં હવે દૂરના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ પણ આકાર લઈ રહી છે. અહીં અભ્યાસ કરીને અનેક યુવાનો સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દા મેળવી ચૂક્યા છે. ‘વતન પ્રેમ યોજના’નો આ પ્રકલ્પ આજે સમગ્ર રાજ્ય માટે એક આદર્શ રોલ મોડેલ બન્યો છે.
