બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરી ગામે આવેલ રામજી મંદિર નજીકના એક મકાનમાં દાદી અને પૌત્રની નિર્મમ હત્યા થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાસકાંઠા : શિહોરી ગામે દાદી-પૌત્રની નિર્મમ હત્યાથી ચકચાર, હત્યારાનું પગેરું મેળવવા પોલીસની કવાયત

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ક્રાઈમનું પ્રમાણ વધી રહ્યું છે. તેમાં પણ વાત કરવામાં આવે તો હત્યા તેમજ આત્મહત્યાના બનાવોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે કાંકરેજ તાલુકાના શિહોરી ગામે આવેલ રામજી મંદિર નજીક રહેતી 45 વર્ષીય મહિલા તેમજ 6 વર્ષીય પૌત્રની ઘરમાં જ કોઈ અજાણ્યા શખ્સે નિર્મમ હત્યા કરી ફરાર થઇ જતાં ચકચાર મચી જવા પામી છે, ત્યારે દાદી અને પૌત્રની હત્યા થઈ હોવાની જાણ વાયુ વેગે પ્રસરી જતાં ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. બનાવના પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતક દાદી અને પૌત્રની તેમના પોતાના ઘરમાં જ કોણે હત્યા કરી છે એવું લોકોમાં ચર્ચાએ જોર પકડયું છે, ત્યારે અલગ અલગ ટીમો બનાવી હત્યારાનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.