વિમાનમાં આશરે 180 જેટલા ઈઝરાયલી મુસાફરો સવાર હતા. આ ઘટનાના કારણે થોડા સમય માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ખળભળાટ મચી ગયો હતો અને ઈઝરાયલે સુરક્ષા પ્રોટોકોલ હેઠળ કટોકટી જાહેર કરવી પડી હતી.

દુબઈથી ઈઝરાયલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાય દુબઈની ફ્લાઈટમાં હાઈજેકિંગની આશંકા પાછળનું સાચું અને ચોંકાવનારું કારણ હવે સામે આવ્યું છે. જાણવા મળ્યા મુજબ ધ જેરૂસલેમ પોસ્ટ તથા ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ અનુસાર આકાશમાં કોઈ આતંકી કે હાઈજેકર નહીં, પરંતુ ખુદ વિમાન ઉડાડી રહેલા બંને પાયલટ અંદરોઅંદર લડી પડ્યા હતા. કોકપિટમાં બંને પાયલટો વચ્ચે થયેલા આ હિંસક વિવાદના કારણે આખું પ્લેન રસ્તો ભટકી ગયું હતું અને તાત્કાલિક ધોરણે સાઉદી અરેબિયાની ધરતી પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.

ફ્લાઈટ જ્યારે હવામાં હતી ત્યારે અચાનક બંને પાયલટ વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. બંને પાયલટ વચ્ચેના આ સંઘર્ષને કારણે વિમાન તેના નિર્ધારિત રૂટ પરથી ફંટાઈ ગયું હતું.

કોકપિટમાંથી અચાનક અસામાન્ય હલચલ અને ઈમરજન્સી સંકેત મળતા જ એર ટ્રાફિક કંટ્રોલ અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે વિમાનનું અપહરણ થઈ ગયું હોવાની આશંકા ફેલાઈ ગઈ હતી. આ અફરાતફરી વચ્ચે વિમાનને તાત્કાલિક સાઉદી અરેબિયા તરફ વાળીને સલામત ઉતરાણ કરાવવામાં આવ્યું હતું.

180 મુસાફરો ભરેલા વિમાનમાં આકાશ વચ્ચે પાયલટોનું આ પ્રકારનું બેજવાબદાર વર્તન ઉડ્ડયન ઇતિહાસની સૌથી વિચિત્ર અને ગંભીર ઘટનાઓમાં સ્થાન પામી ગયું છે. સાઉદી અરેબિયામાં વિમાન સુરક્ષિત ઉતર્યા બાદ તમામ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે, જ્યારે બંને પાયલટો સામે કડક એવિએશન તપાસ શરૂ કરવામાં આવી છે.