ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના આંકોલાળી ગામના યુવાને શહેરના વિક્ટોરિયા પાર્ક પાછળ ઝાડ પર દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લેતાં ચકચાર મચી છે. જોકે, મૃતક યુવક 3 મહિના પહેલા જ લગ્નગ્રંથિએ જોડાયો હોવાનું પણ જાણવા મળ્યું છે.
ભાવનગરના વિક્ટોરિયા પાર્ક પાછળ કાળીયાબિડ વિસ્તારમાં માધવાનંદ આશ્રમ પાસે એક ઝાડ પર યુવાનનો મૃતદેહ લટકતો જોવા મળતાં લોકોએ એ’ ડીવીઝન પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને નીચે ઉતારી તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક પાલીતાણા તાલુકાના આંકોલાળી ગામનો 27 વર્ષીય ઈન્દ્રજીત ખસીયા અને હાલ ટોપ-થ્રી સિનેમા સામે આવેલ હોસ્ટેલમાં રહી અભ્યાસ સાથે સરકારી નોકરી માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતો હોવાનું બહાર આવ્યું છે.
ગત તા. 30 જાન્યુઆરીના રોજ સાંજે મિત્રો સાથે બાઈક લઈને નિકળ્યા બાદ તે ગુમ થયો હોવાનું ખુલવા પામ્યું હતું. મૃતક યુવાન ભાઈ-બહેનમાં સૌથી નાનો હોવાનું જાણવા મળ્યું છે. આશાસ્પદ યુવાને એકાએક આવું અજુગતું પગલું કેમ ભર્યું એ અંગે ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ મૃતકના પરિજનો સાથે વાતચીત દરમ્યાન એવું જણાવ્યું હતું કે, મૃતક યુવકના 3 માસ પૂર્વે જ પાલીતાણા તાલુકાના હાથસણી ગામે લગ્ન થયા હતા. મૃતકની પત્નીને પિયરીયાઓ રિવાજ મુજબ પિયરમાં તેડી લાવ્યાં છે. છેલ્લા થોડા દિવસોથી મૃતકને તેની પત્ની સાથે મન દુઃખ ચાલી રહ્યું હોય જેથી વ્યથિત ઈન્દ્રજીતે આવેશમાં આવી આ અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા સેવાય રહી છે.
