અંકલેશ્વરના મહાવીર ટર્નીંગ પાસે આવેલા સીગ્નેચર હાઈટ્સ બિલ્ડીંગના પહેલા માળેથી એક 30 વર્ષીય કામદાર નીચે બેઝમેન્ટમાં પટકાયો હતો. જેનું ગંભીર ઈજાઓના કારણે સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરના મહાવીર ટર્નીંગ પાસે સીગ્નેચર હાઈટ્સ બિલ્ડીંગ આકાર લઈ રહી છે. આ બિલ્ડીંગમાં અનેક મજૂરો કામ કરી રહ્યા છે. ત્યારે મૂળ બિહારનો 30 વર્ષીય યુવાન બ્રિજેશ રામાનંદ ચૌહાણ મોબાઈલ ફોન ઉપર વાત કરી રહ્યો હતો. તે દરમ્યાન અચાનક પહેલા માળેથી નીચે બેઝમેન્ટમાં પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.આ અંગેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
