વડોદરાને વ્યાયામનો વારસો ગાયકવાડી શાસનકાળથી મળ્યો છે.શહેરમાં આજે પણ એકાદ સદી જૂના અખાડા પુરાતન વારસાને જાળવવા સાથે વ્યાયામની આધુનિક સુવિધાઓ સાથે ધમધમી રહ્યાં છે.દેશ આઝાદીનું અમૃત પર્વ ઉજવી રહ્યું છે ત્યારે ગર્વ લેવા જેવી વાત છે.વડોદરાનાએ ઉજળા વ્યાયામ વારસાનો એક અમૂલ્ય હિસ્સો છે મલખંભની રમત.આજે આ રમતના કદાચ દેશના શ્રેષ્ઠ રમતવીરો વડોદરાની વ્યાયામ શાળાઓમાં ઘડાય છે.તેથી જ આ વર્ષે પહેલીવાર ગુજરાતમાં રમાનારી ૩૬ મી નેશનલ ગેમ્સમાં મલખંભનો સમાવેશ વ્યાયામ નગરી વડોદરા માટે હર્ષ,આનંદ અને ગૌરવની ઘટના છે.
એનાથી વધુ આનંદની વાત એ છે કે ૩૬ મી નેશનલ ગેમ્સમાં ગુજરાતની જે મલખંભની ટીમ મેદાનમાં ઉતારવાની છે એ માટે પસંદ થયેલા છોકરા અને છોકરીઓની ટીમના તમામ રમતવીરો વડોદરાના છે. હાલમાં શહેરમાં યોજાયેલી ગુજરાતની ટીમની પસંદગી માટેની સ્પર્ધાઓ માં છોકરાઓ ની ટીમ માટે તમામ ૬ અને છોકરીઓની ટીમ માટે તમામ ૬ મળીને કુલ બારેબાર ખેલાડીઓ વડોદરાવાસી છે જે અભૂતપૂર્વ તો છે જ સાથે આ રમતમાં વડોદરાની નીપુણતાની ધાક બેસાડે છે.
મલખંભને રાષ્ટ્રીય રમતોત્સવમાં સમાવી લેવા માટે પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીનો દિલથી આભાર માનતા લાગણી વ્યક્ત કરતા ગુજરાત રાજ્ય મલખંભ મંડળના સચિવ રાહુલ ચોકસીએ જણાવ્યું કે જીમ્નાસ્ટીક અને યોગ વિદ્યાના સમન્વય જેવી આ રમતને વડોદરાએ ચેતનવંતી રાખી છે. શ્રી ચોકસીની મલખંભ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ,આ રમતની સ્પર્ધા માટે ટેકનિકલ ડાયરેક્ટર તરીકે પસંદગી કરી છે એ પણ વડોદરા માટે ગૌરવની વાત છે. તેમણે આ રમતને રાષ્ટ્રીય ઓળખ આપવા માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ગુજરાતના ખેલ મંત્રીશ્રી હર્ષ સંઘવીને પણ બિરદાવ્યા છે. વડોદરાની વ્યાયામ પ્રવૃત્તિની શાન મલખંભ છે અને તેને વધુ શાનદાર,જાનદાર અને વ્યાપક બનાવવા સૌ સંબંધિતો સંકલ્પબદ્ધ છે.
