ભુજમાં ગુજ્યો દેશભક્તિનો સૂર
આઝાદીના 80મા પર્વ નિમિત્તે કરવામાં આવ્યું આયોજન
ભારતીય વાયુસેનાના બેન્ડનું પ્રદર્શન યોજાયું
SWAC બેન્ડની દેશભક્તિમય રજૂઆત
જવાનોએ સંગીતના સૂરથી ભુજવાસીઓને મંત્રમુગ્ધ કર્યા
કચ્છના ભુજ ખાતે ભારતીય વાયુસેના દ્વારા એક ભવ્ય અને દેશભક્તિસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ટાઉન હોલ ખાતે ભારતીય વાયુસેનાના દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના બેન્ડ દ્વારા સંગીત અને દેશભક્તિનો અનોખો સંગમ રજૂ કરાયો હતો.
કચ્છના ભુજ ખાતે ભારતીય વાયુસેના દ્વારા એક ભવ્ય અને દેશભક્તિસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ભુજના ટાઉન હોલ ખાતે આયોજિત આ વિશેષ મ્યુઝિકલ શોમાં વાયુસેનાના જવાનોએ શૌર્ય અને દેશભક્તિથી સભર ધૂનો રજૂ કરીને સમગ્ર હોલને દેશભક્તિના રંગે રંગી દીધો હતો. ભારતીય વાયુસેનાના દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના બેન્ડ ગ્રુપે એકથી એક ચડિયાતી સ્વદેશી અને દેશભક્તિની ધૂનો વગાડીને ઉપસ્થિત તમામ નાગરિકોના મન મોહી લીધા હતા.
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની માધાપરની એ વીરાંગનાઓનું સન્માન રહ્યું હતું, જેમણે બોમ્બમારા વચ્ચે રાતોરાત ભુજ એરસ્ટ્રિપનો રનવે તૈયાર કરીને ઈતિહાસ રચ્યો હતો. વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ સાહસિક બહેનોનું મંચ પરથી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.
તમામ નાગરિકો આ દેશભક્તિના પર્વમાં સહભાગી થઈ શકે તે માટે આ કાર્યક્રમમાં પ્રવેશ સાવ નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે વાયુદળના વરિષ્ઠ અધિકારીઓ, ભુજના સ્થાનિક ધારાસભ્ય તેમજ મોટી સંખ્યામાં ભુજ અને આસપાસના વિસ્તારના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વાયુસેનાના જવાનોનું મનોબળ વધાર્યું હતું.
