પ્લાસ્ટિકના કારખાનામાં લાગી ભીષણ આગ

ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો   

ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવાયો

પોલીસ-PGVCL પણ ટીમ ઘટનાસ્થળે દોડી આવી

દિવાળીની રજાઓ હોવાથી મોટી દુર્ઘટના ટળી

ભાવનગર શહેરના કુંભારવાડામાં આવેલા શાંતિનગર વિસ્તારમાં પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાય ગયો હતો.

ભાવનગર શહેરના કુંભારવાડામાં આવેલા શાંતિનગર વિસ્તારના એક પ્લાસ્ટિકના કારખાનામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્લાસ્ટિકનો જથ્થો હોવાને કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી,અને લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.

આગ લાગવાની જાણ થતાં જ ભાવનગર ફાયર વિભાગની 3 ટીમો તાત્કાલિક ફાયર ટેન્ડર સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી,અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલો અને PGVCLની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી, જેથી કોઈ વધુ હોનારત ન સર્જાય.

આગ કયા કારણોસર લાગી અને તેમાં કેટલું આર્થિક નુકસાન થયું છે તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી. જોકે, દિવાળીના તહેવારની રજાઓ ચાલતી હોવાથી કારખાનામાં કર્મચારીઓ કે મજૂરો હાજર ન હતા, જેને કારણે સદનસીબે મોટી જાનહાની ટળી છે.