જીઆઈડીસીના ટ્રાફિક નિવારણ માટે ઉઠી માંગ

એક કિલોમીટરના નવા ઓવરબ્રિજની માંગ

પૂર્વ જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ જજ સજ્જાદ કાદરીએ મોટું પગલું ભર્યું

ટ્રાફિકજામ અંગે પૂર્વ જજ સજ્જાદ કાદરીની ઉચ્ચસ્તરીય રજુઆત

સમસ્યા અંગે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઇએલ કરવાની ચીમકી

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. અને રહેણાંક વિસ્તારોમાં સતત વધતા ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે પૂર્વ જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ જજ અને ધારાશાસ્ત્રી સજ્જાદ કાદરીએ ઉચ્ચસ્તરીય રજુઆત કરી છે.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. અને રહેણાંક વિસ્તારોમાં સતત વધતા ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે હવે પૂર્વ જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ જજ અને ધારાશાસ્ત્રી સજ્જાદ કાદરીએ મોટું પગલું ભર્યું છે. તેમણે ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી અને આર.એન્ડ.બી. ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી અંકલેશ્વરમાં માત્ર એક કિલોમીટરનો નવો ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી છે.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. અને શહેર વચ્ચે અવરજવર માટે હાલ વાલિયા ચોકડી અને પ્રતિન ઓવરબ્રિજ મુખ્ય માર્ગો છે. નેશનલ હાઇવે નં-48 પર આવેલા પ્રતીન ઓવરબ્રિજ પરથી મોટા વાહનોની અવરજવરને કારણે બ્રિજને નુકસાન થાય છે અને અવારનવાર બ્રિજ બંધ કરવાની નોબત આવે છે. જેના કારણે વાલિયા ચોકડી પર પુષ્કળ ટ્રાફિકજામ થાય છે અને નાગરિકોના કલાકો તેમજ ઈંધણનો મોટો બગાડ થાય છે.

આ સમસ્યાના કાયમી ઉકેલ માટે વાલિયા ચોકડીથી રાજપીપળા ચોકડી સુધી માત્ર એક  કિલોમીટરનો ઓવરબ્રિજ બનાવી તેને રાજપીપળા ચોકડી પરના બ્રિજ સાથે જોડી દેવા સૂચન કરાયું છે. જો આ બ્રિજ બને તો વાલિયા ચોકડી, પ્રતિન ઓવરબ્રિજનો વૈકલ્પિક રસ્તો તેમજ UPL કંપની અને સિવિલ કોર્ટ પાસેથી થઈને દેસાઈ પેટ્રોલ પંપ તરફ જતો ત્રીજો એમ કુલ ત્રણ વૈકલ્પિક માર્ગો નાગરિકોને મળી રહેશે. જનહિતના આ પ્રશ્ને જો કોઈ નક્કર ઉકેલ નહીં આવે તો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન (PIL) કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.