ભરૂચ શહેરના મકતમપુર ગામ સ્થિત દરગાહ ફળિયામાં રાત્રિના સમયે ચપ્પુથી હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. સ્થાનિક યુવાન મોસીન શેખ પર કેટલાક અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હોવાની માહિતી સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મોસીન શેખ રાત્રિના સમયે દરગાહ ફળિયા વિસ્તારમાં હાજર હતા ત્યારે કેટલાક ઈસમો તેમની સાથે ઝઘડામાં ઉતર્યા હતા. વાત વધતા હુમલાખોરોએ ચપ્પુ વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
હુમલામાં મોસીન શેખને શરીરના ભાગે ઇજાઓ પહોંચતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. આસપાસના લોકોએ તરત જ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તેમની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાને લઈને વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ સર્જાયો હતો.
ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેમાં કેટલાક ઈસમો હુમલો કરતા દેખાઈ રહ્યા છે. પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. ઇજાગ્રસ્ત મોસીન શેખે સમગ્ર મામલે સી ડિવિઝન પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.