ટેક્સટાઈલ માર્કેટમાં એકાઉન્ટન્ટે આગ લગાવ્યાનો ઘટસ્ફોટ
માલિકને પાઠ ભણાવવા 150ના પેટ્રોલથી 14 દુકાન સળગાવી
પગારના 10 હજાર બાકી રહેતા 24 કરોડની દુકાનો રાખ કરી
1500થી વધુ CCTV કેમેરાની મદદથી પોલીસને સફળતા મળી
પોલીસે આરોપી એકાઉન્ટન્ટ વિનોદ સાવલેની ધરપકડ કરી
સુરત શહેરના સારોલી વિસ્તારની શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટની 14 દુકાન સળગાવી દેનાર આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં 9 સપ્ટેમ્બરની રાત્રે લાગેલી ભીષણ આગ કોઈ અકસ્માત નહીં, પરંતુ એક ષડયંત્ર હોવાનો ખુલાસો થયો છે. માર્કેટના છઠ્ઠા માળે આવેલી દુકાનના એકાઉન્ટન્ટ વિનોદ સાવલે માત્ર રૂ. 10 હજારના બાકી પગારની અદાવતમાં માલિકને પાઠ ભણાવવા માટે રૂ. 150ના પેટ્રોલથી 14 દુકાન સળગાવી દીધી હતી.
તેના આ ગુસ્સાના કારણે અંદાજે રૂ. 24 કરોડનું કાપડ બળીને ખાખ થઈ ગયું હતું, જે આગ પર કાબૂ મેળવવામાં ફાયર બ્રિગેડને 38 કલાક જેટલો સમય લાગ્યો હતો તો બીજી તરફ, ગુનેગાર સુધી પહોંચવા માટે સુરત પોલીસના ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ ફેઝ-2 અંતર્ગત લાગેલા 1500થી વધુ CCTV કેમેરાનો બારીકાઈથી અભ્યાસ કરાયો હતો. ક્રાઈમ બ્રાન્ચે આરોપીની એન્ટ્રીથી લઈને એક્ઝિટ સુધીનું બેકવર્ડ અને ફોરવર્ડ ટ્રેકિંગ કર્યું હતું.
કેમેરાના ફૂટેજ પરથી જ આરોપી વિનોદની ઓળખ પ્રસ્થાપિત થઈ હતી, અને તે ડિંડોલીના બીલીપત્ર રેસીડેન્સીનો રહેવાસી હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, 33 વર્ષીય વિનોદ પંડીત સાવલે શ્યામ સંગીની માર્કેટની દુકાન નં. 639, જેકોર્પ ઇન્ડિયા અને જગદંબા ટેક્સટાઈલમાં એકાઉન્ટન્ટનું કામ કરતો હતો.
એપ્રિલ 2026માં 30 હજારના પગારે નોકરી શરૂ કર્યા બાદ, એકાઉન્ટનું કામ બરાબર ન આવડતા માલિક હનુમાન દ્વારકાપ્રસાદ જવર સાથે તેનો વિવાદ થયો હતો. વિનોદે જૂનમાં નોકરી છોડી દીધી હતી. જોકે, તેને લાગતું હતું કે, તેના 10 હજાર રૂપિયા લેવાના બાકી છે. માલિક દ્વારા પૈસા ન આપવા પર રોષે ભરાયેલા વિનોદે 10 હજારની કિંમત શું હોય છે, તે બતાવવા દુકાનમાં આગ લગાવવાનો ખતરનાક પ્લાન બનાવ્યો હતો.
