બિહારના જમુઈમાં તાજેતરની ગુનાહિત ઘટનાઓ બાદ પોલીસે ગુનેગારો વિરુદ્ધ મોટું અભિયાન શરૂ કર્યું હતું. જેના પરિણામે પોલીસ અને ગુનેગારો વચ્ચે મુઠભેડ થઈ હતી. જેમાં એક આરોપીના પગમાં ગોળી વાગી હતી, જ્યારે બીજા આરોપીનો પગ ભાંગી ગયો હતો.
બિહારના જમુઈ જિલ્લામાં એક સગીર વિદ્યાર્થિનીની છેડતીના મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલો અનુસાર, ફરાર થયેલા 2 આરોપીઓ સાથે પોલીસની મુઠભેડ થઈ હતી. આ કાર્યવાહી દરમિયાન આરોપી નંદન યાદવના પગમાં ગોળી વાગી હતી, અને હરેરામનો પગ ભાંગી ગયો હતો. આ મામલે કુલ 4આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
મુઠભેડ બાદ બંને આરોપીઓને જમુઈ સદર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આરોપીઓને હોસ્પિટલ લઈ જવામાં આવતા હોવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં બનેલી છેડતીની ઘટનાનો એક વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ પોલીસ તંત્રએ ગુનેગારો વિરુદ્ધ સઘન અને આક્રમક અભિયાન શરૂ કર્યું હતું.
આરોપીઓને પકડવા માટે જિલ્લાભરમાં વિવિધ શંકાસ્પદ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જોકે, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તરફથી મુઠભેડ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
