દિવાળી બાદ અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 1,500 કરતાં વધારે દર્દીઓ મળી આવતાં સરકારની ચિંતામાં વધારો થયો છે. પરિસ્થિતિની ગંભીરતા પારખી કેન્દ્ર સરકારે પણ ત્રણ તબીબોની ટીમ ગુજરાત મોકલી આપી છે
રાજ્યમાં સતત વકરતી કોરોના ની સ્થિતિ વચ્ચે કેન્દ્રના 3 ડોકટર્સની ટીમ ગુજરાતમાં ભ્રમણ કરી રહી છે. ટીમના સભ્યોએ અમદાવાદની SVP હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ કોવિડના દર્દીઓની સારવાર પદ્ધતિ અને ડૉક્ટરોની કામગીરીની ચકાસણી કરી હતી. બપોર બાદ રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે આ ટીમ બેઠક કરીને ગુજરાતની કોરોનાની વાસ્તવિક પરિસ્થિતિ અંગેનો રીપોર્ટ તૈયાર કરી કેન્દ્રના આરોગ્ય મંત્રાલયને સોંપાશે. રાષ્ટ્રીય વિકાસ નિગમના ડાયરેક્ટર (NCDC) ડૉ. એસ.કે સિંઘના વડપણ હેઠળ ટીમ ગુજરાતમાં પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે આવી પહોંચી છે. ડૉ. સુજીત કુમારે મીડિયાને બ્રીફ કરતાં જણાવ્યું હતું કે અધિકારીઓ સાથે બેઠક કરીશું અને બે દિવસ સુધી ગુજરાતમાં રહીશું. હજુ અમે વડોદરા અને અન્ય જિલ્લામાં સ્થિતિની પણ મુલાકાત લઇશું.
રાજ્યની મુલાકાતે આવેલ ટીમે સીએમ વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હાશ અને સીએમ ડેશબોર્ડની કાર્યવાહી પણ નિહાળી હતી તો સાથે વરિષ્ઠ અધિકારીઓ અને તબીબો સાથે ચર્ચા કરી હતી ત્યારબાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે દિવાળીમાં થયેલી લોકોની ભીડને કારણે કોરોના વકર્યો છે. તહેવારો દરમ્યાન લોકોની બેદરકારીને કારણે આ પરિણામ આવ્યું છે. વધતા જતાં સંક્રમણ માટે તંત્ર નહીં પરંતુ લોકો જવાબદાર છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.