અમદાવાદ : આનંદ વિહાર ફલેટ તોડવા ટીમ પહોંચતા રહીશો વિફર્યા, જુઓ પછી શું થયું

New Update
અમદાવાદ : આનંદ વિહાર ફલેટ તોડવા ટીમ પહોંચતા રહીશો વિફર્યા, જુઓ પછી શું થયું

સેટેલાઈટના કેશવભાગ પાર્ટી પ્લોટ સામે આવેલા આનંદ વિહાર ફ્લેટના રિડવલપમેન્ટ મામલે આજે વિવાદ ત્યારે ઉગ્ર થઇ ગયો જ્યારે રહીશોએ આજે સવારે જેસીબી પર પત્થરમારો કર્યો હતો.

આનંદ વિહાર ફ્લેટના રહીશોનો આક્ષેપ છે કે, હાઉસિંગ બોર્ડના આ મકાનો 35 વર્ષ જૂના છે અને રિડવલપમેન્ટના નામે કેટલાક બિલ્ડરો આ મોકાની જમીન પડાવી લેવા પેરવી કરી રહ્યા છે. શુક્રવારે સવારે ફ્લેટ પાસે આવેલા JCB પર સ્થાનિકોએ પત્થરમારો કર્યો હતો. મામલો બિચકતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફ્લેટના રહીશોએ કહ્યું હતું કે, આનંદ વિહાર ફ્લેટ 36 વર્ષ જૂના હાઉસિંગ બોર્ડના ફલેટ છે. આ ફ્લેટના રિડેવલોપિંગ માટેની વાતચીત ચાલી રહી છે. પરંતુ હજી સુધી તેમાં કોઈ નક્કર નિર્ણય નથી આવ્યો.

ત્યારે બિલ્ડર દ્વારા તેમના મકાનો જબરદસ્તીથી ખાલી કરાવવામાં આવી રહ્યાં છે. આ વિસ્તારમાં મોટા-મોટા કોમ્પલેક્ષ ધરાવતા કેટલાક બિલ્ડરો આ મોકાની જગ્યાને પડાવી લેવાની પેરવીમાં છે. આ માટે બિલ્ડરો દ્વારા પોલીસનો સાથ લઈને ફ્લેટ ખાલી કરાવવા રહીશો પર યેનકેન પ્રકારે દબાણ કરવામાં આવી રહ્યાનો પણ રહીશોનો આક્ષેપ છે.

સ્થાનિકો એ હંગામો કરી પથ્થરમારો કરતા DCP પ્રેમસુખ ડેલું ત્યાં પહોંચી ગયાં હતાં અને સ્થાનિકોને સમજાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ જેસીબી ફ્લેટ તોડવા માટે નહીં પણ નવો રોડ બનાવવા માટે મંગાવેલું છે. ફ્લેટ તોડવા માટે કોઈ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો નથી. તેમણે સ્થાનિકોને કહ્યું હતું કે જો મકાન તોડવાનાં હોય ત્યારે પોલીસ બંને પાર્ટીઓને સાથે રાખીને વાતચીત કરે છે પછી જ બંદોબસ્ત માટે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે છે. DCP પ્રેમસુખ ડેલુંના સમજાવ્યા પછી ફ્લેટના રહીશો માની ગયા હતા અને આખો મામલો થાળે પડ્યો હતો

Latest Stories