ગુજરાતના પોલીસતંત્રની સુકાન અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટીયાને સોંપવામાં આવી છે. ગુજરાતના 38મા ડીજીપી તરીકે આશિષ ભાટીયાની નિયુકતિ કરાય છે.
વર્ષ 1985ની બેચના ગુજરાત કેડરના IPS આશિષ ભાટિયાને રાજ્યના નવા પોલીસવડા (ડીજીપી) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શિવાનંદ ઝાને નિવૃત્તિ બાદ ત્રણ મહિનાનું એક્સ્ટેશન આપવામાં આવ્યું હતું. જે આજે પૂર્ણ થતાં નવા પોલીસવડા તરીકે આશિષ ભાટિયાની નિયુક્તિ કરવામાં આવી છે. આશિષ ભાટીયાની નિયુકતિની જાહેરાત ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ હતી. આશિષ ભાટિયા આવતીકાલે શનિવારના રોજ રાજ્યના પોલીસવડા તરીકે ચાર્જ સંભાળશે.
આશિષ ભાટિયા 2016માં સુરતના કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે અને તેમને 2001માં પોલીસ મેડલ અને 2011માં રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થયો છે. અમદાવાદમાં કમિશનર તરીકે નિયુક્તિ થઈ તે પહેલા તેઓ CID, ક્રાઈમ અને રેલવેના DGP હતા. આશિષ ભાટિયા મૂળ હરિયાણાના વતની છે. 2002માં રાજ્યમાં થયેલા કોમી રમખાણોમાંના નવ કેસની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવાયેલી SITના પણ તેઓ સભ્ય હતા.
આશિષ ભાટીયાની કારર્કિદી પર નજર નાંખવામાં આવે તો તેમના નેતૃત્વમાં અમદાવાદ સિરિયલ બોંબ બ્લાસ્ટના ગુનામાં આરોપીઓને 19 દિવસમાં જ ઝડપી લેવામાં આવ્યાં હતાં. 26 જુલાઇ 2008માં થયેલાં અમદાવાદ શહેરના વિભિન્ન સ્થળોએ થયેલાં બોંબ બ્લાસ્ટમાં 56 જેટલા લોકોના મોત થયાં હતાં. આ કેસને હાલના રાજ્યના નવા પોલીસ વડા બનેલા આશિષ ભાટિયા અને તે વખતના ક્રાઈમ બ્રાન્ચના DCP અભય ચુડાસમા સહિતની ટીમના અધિકારીઓએ માત્ર 19 દિવસમાં જ ભેદ ઉકેલી નાંખ્યો હતો અને 30 આરોપીઓને ઝડપી લીધા હતા.