અમદાવાદ શહેરના ઇસનપુરમાં રૂ. 50 માટે એક યુવકને છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનામાં પોલીસે એક સગીર સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. પૈસાની લેતીદેતીની અદાવતમાં આ હત્યા કરી હોવાનું ખુલ્યું છે, ત્યારે મનમાં હવે સવાલ થાય છે કે, કોણ છે આ આરોપીઓ કે, જેણે માત્ર 50 રૂપિયા માટે હત્યા જેવા ગંભીર ગુન્હાને અંજામ આપ્યો છે.

પોલીસે ધરપકડ કરેલ આરોપીનું નામ શુભમ રાજપૂત અને શિવમ બાથમ છે. કે, જેણે રૂ 50 માટે એક યુવકની હત્યા કરી દીધી છે. ઘટનાની વાત કરીએ તો, ઇસનપુર વિસ્તારમાં 30 વર્ષીય નિલેષ બાથમ પરિવાર સાથે રહેતો હતો, અને ઓટો રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. નિલેષ સાથે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી છરી મારીને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત નિલેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન નિલેશનું મૃત્યુ થયું. પોલીસે હત્યાનો ગુનો નોંધી CCTV ચેક કરતા બાઈક પર આવેલા આરોપીઓને મૃતકની બહેન ઓળખી જતા હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો,

અને સગીર સહિત 3 લોકોની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપી શુભમ અને શિવમ શાકભાજીની લારીમાં ધંધો કરે છે. મૃતક નિલેશ આરોપી પાસે 50 રૂપિયા લેવા ગયો હતો. પરંતુ આરોપી પૈસા આપતો ન હતો. જેથી નિલેશ રોજ ઉઘરાણી કરવા જતો હતો. જેની અદાવત રાખીને આરોપીએ હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું અને પોતાના ભાઈ સાથે મળીને નિલેશ પર છરીના ઘા ઝીંકી દીધા હતા. પરંતુ આરોપી અને મૃતક કુટુંબમાં સંબંધી થતા હોવાથી મૃતકની બહેન તેને ઓળખી ગઈ હતી. આરોપીઓ સામાન લઈને ઉત્તરપ્રદેશ ફરાર થઇ જવાના પ્રયાસમાં જ હતા, પરંતુ પોલીસે તેમને ઝડપી લીધા છે.