પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝના ચાહકોમાં તેમના અમદાવાદ કોન્સર્ટને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોન્સર્ટને કારણે શહેરમાં સંગીતપ્રેમીઓની ભીડ ઉમટવાની શક્યતા છે. જોકે, આ કાર્યક્રમની અસર હવે માત્ર ટિકિટના ભાવ સુધી સીમિત રહી નથી, પરંતુ ફ્લાઇટ અને હોટલના ભાડામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં 21 નવેમ્બરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલજીત દોસાંઝનો ભવ્ય કોન્સર્ટ યોજાવાનો છે. આ કાર્યક્રમ માટે દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ઇન્દોર સહિતનાં શહેરોમાંથી લોકો અમદાવાદ આવી રહ્યા છે. જેના કારણે સામાન્ય દિવસોમાં રૂપિયા 3,500થી રૂપિયા 8,000માં મળતી ફ્લાઇટ ટિકિટના ભાવ વધીને રૂપિયા 17,000થી રૂપિયા 40,000 સુધી પહોંચી ગયા છે. કેટલીક રૂટ પર ભાડામાં 6થી 7 ગણો વધારો નોંધાયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ફ્લાઇટની સાથે હોટલના રૂમના ભાડામાં પણ બેથી ત્રણ ગણો વધારો થયો છે. સામાન્ય દિવસોમાં રૂપિયા 5,000થી રૂપિયા 13,000માં મળતા હોટલ રૂમ માટે હવે રૂપિયા 15,000થી રૂપિયા 35,000 સુધી ચૂકવવા પડી રહ્યા છે. શહેરની જાણીતી હોટલોમાં પણ બુકિંગની માંગમાં મોટો વધારો થયો છે.
