અંકલેશ્વરની શ્રવણ વિદ્યાભવન સ્કૂલનો વિવાદ

બાકી ફી મુદ્દે વિદ્યાર્થી સાથે હેરાનગતિ

આક્ષેપ સાથે જિલ્લાશિક્ષણાધિકારીનો રજુઆત

લિવિંગસર્ટી ન અપાતું હોવાના આક્ષેપ

નિયમ મુજબ કાર્યવાહીની માંગ

અંકલેશ્વરના પીરામણ રોડ પર આવેલ શ્રવણ વિદ્યાભવન શાળામાં બાકી ફી મુદ્દે વિદ્યાર્થીને પરીક્ષામાંથી ઉઠાડી મુકવા સાથે લિવિંગ સર્ટી પણ અટકાવી રાખવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરવામાં આવી છે

અંકલેશ્વર શહેરના પિરામણ રોડ વિસ્તારમાં આવેલી શ્રવણ વિદ્યાભવન શાળાને લઈને ગંભીર આક્ષેપો સાથે વિદ્યાર્થીના પરિવારજનો તથા આગેવાનો દ્વારા ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆત મુજબ, આદિવાસી સમાજના એક વિદ્યાર્થીને વર્ષ 2022માં ધોરણ-8ની પ્રથમ પરીક્ષાના પ્રથમ પેપર દરમિયાન ફી બાકી હોવાનું કહી શાળાના સ્ટાફ દ્વારા પરીક્ષામાંથી ઉઠાડી બહાર મોકલી દેવામાં આવ્યો હતો.

પરિવારજનોના જણાવ્યા મુજબ, ત્યારબાદ વિદ્યાર્થીને શાળામાંથી લિવિંગ સર્ટિફિકેટ (LC) મેળવવા માટે અનેક વખત ધક્કા ખાવા પડ્યા હોવા છતાં આજદિન સુધી તેને લિવિંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું નથી.પરિવારજનોનો આક્ષેપ છે કે, ફી બાકી હોવાના કારણે વિદ્યાર્થીનું લિવિંગ સર્ટિફિકેટ અથવા ટ્રાન્સફર સર્ટિફિકેટ અટકાવી રાખવામાં આવ્યું છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ, વિદ્યાર્થી ત્યારબાદ બીજી શાળામાં અભ્યાસ માટે પ્રવેશ લેવા ગયો હતો, પરંતુ લિવિંગ સર્ટિફિકેટ ઉપલબ્ધ ન હોવાના કારણે તેને પ્રવેશ મળી શક્યો નહોતો. પરિણામે વિદ્યાર્થીનો અભ્યાસ અધવચ્ચે અટકી ગયો હોવાનું પરિવારજનોનું કહેવું છે.

વિદ્યાર્થીના પરિવારજનો અને આગેવાનોની માંગ છે કે, ફી સંબંધિત કોઈપણ વિવાદ હોય તો તેનો ઉકેલ નિયમોનુસાર લાવવામાં આવે, પરંતુ તેના કારણે વિદ્યાર્થીનું શિક્ષણ અટકવું ન જોઈએ. ચાર વર્ષથી અભ્યાસથી દૂર રહેલા આ વિદ્યાર્થીને ફરી શિક્ષણની મુખ્યધારામાં લાવવા માટે શિક્ષણ વિભાગ તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે.