-
ભરૂચમાં આગનો બનાવ
-
મકતમપુર વિસ્તારમાં આગ
-
મકાનમાં આગ ફાટી નીકળી
-
ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
-
સદનસીબે કોઈ જાનહાની નહીં
ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલ જિલ્લા પંચાયત ઓફિસર્સ કોલોની નજીક એક મકાનમાં આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી.ફાયર ફાયટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
પ્રાપ્ત ઘટના ની વિગતો અનુસાર આજરોજ બપોરના સુમારે ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલ જિલ્લા પંચાયત ઓફિસર કોલોની પાસે આવેલ એક બંગલોમાં એકાએક પ્રથમ માળે આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતા જ અફરાતફરી નો માહોલ સર્જાયો હતો. સ્થાનિક રહીશોએ તાત્કાલિક ફાયર વિભાગમાં જાણ કરતા બે ફાયર ટેન્ડર ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા.
પ્રથમ માળે લાગેલ આગના ધુમાડાના ગોટેગોટા બાલકની માંથી બહાર આવ્યા હતા જે બાદ આગની જ્વાળાઓ પણ નજરે પડી હતી. 40 ડિગ્રી તાપમાનમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ મકાનમાં ભારે નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.
