અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખીમડીપરા ગામે સ્થાનિકો અને ગામના સરપંચ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. તાઉતે વાવાઝોડા બાદ કરવામાં આવતા સર્વે અને કેશડોલની ચૂકવાણીના મુદ્દે ગ્રામજનો સરપંચના ઘરે રજૂઆત કરવા પહોંચ્યા હતા.
તાઉતે વાવાઝોડાએ સમગ્ર રાજયમાં વિનાશ વેરયો છે. જેમાં લોકોની ખેતી સહિતના સરસામાનને મોટું નુકશાન પહોચ્યું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા લોકોને સહાય કરવા માટે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેવામાં ધારી તાલુકાના હિમખીમડીપરાના ગ્રામજનો તાઉતે વાવાઝોડા બાદ કરવામાં આવતા સર્વે અને કેશડોલની ચૂકવાણીના મુદ્દે સરપંચના ઘરે રજૂઆત કરવા પહોંચ્યા હતા.
જોકે, ઉગ્ર બોલાચાલી બાદ મામલો ગરમાતા સરપંચ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં સરપંચ અને લોકોના ટોળાં વચ્ચે છુટ્ટા હાથની મારામારી થતાં કેટલાક લોકોએ મોબાઈલ કેમેરામાં આ દ્રશ્યો કેદ કર્યા હતા, ત્યારે અન્ય સ્થાનિક લોકોની સમજાવટ બાદમાં મામલો થાળે પડ્યો હતો. જોકે, આ મામલે કોઈપણ જાતની પોલીસ ફરિયાદ નહીં થઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, ત્યારે હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.