• ભરૂચમાં ચૂંટણીનો માહોલ

  • કોંગ્રેસના મેન્ડેટ વિવાદનો મામલો

  • સમર્થકોમાં ભારે રોષ

  • કોંગ્રેસના આગેવાનોના પોસ્ટર સળગાવ્યા

  • આગેવાનોએ સમાજમાં ભાગલા પડાવ્યા હોવાના આક્ષેપ

ભરૂચ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ પાર્ટીમાં  વિવાદે પરિસ્થિતિ વધુ તંગ બનાવી છે.વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ દ્વારા બે ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવતા શરૂઆતથી જ ગૂંચવણ ઉભી થઈ હતી. પ્રથમ તબક્કામાં કુતુબુદ્દીન કરણ પટેલને સત્તાવાર ઉમેદવાર તરીકે મેન્ડેટ આપવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં સમસાદઅલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાએ પણ ઉમેદવારી નોંધાવતા મામલો વિવાદાસ્પદ બન્યો હતો.
આજરોજ ફોર્મ ચકાસણી દરમિયાન ચૂંટણી અધિકારીઓએ સમસાદઅલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાના ફોર્મ માન્ય રાખ્યા હતા, જ્યારે કુતુબુદ્દીન પટેલનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. આ નિર્ણય બાદ તેમના સમર્થકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.
આક્રોશિત કાર્યકરોએ જંબુસર બાયપાસ ચોકડી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સહિતના આગેવાનોના બેનરો સળગાવી જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો હતો.આ ઘટનાએ સ્થાનિક કોંગ્રેસ સંગઠનમાં આંતરિક વિખવાદને જાહેર કર્યો છે.