અંકલેશ્વરમાં દશેરાના પાવન પર્વ નિમિત્તે વિવિધ સમાજ દ્વારા જવારાઓનું પાવન સલીલા માં નર્મદામાં વિસર્જન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર શહેરમાં દશેરાના પર્વની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રીના પ્રારંભથી જ શહેરમાં ઠેર ઠેર અલગ અલગ સમાજો દ્વારા જવારાનું વાવેતર કરવામાં આવ્યું હતું. ભક્તોએ નવ દિવસ સુધી જવારાની પૂજા-અર્ચના કરીને સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી.આ પરંપરા મુજબ અંકલેશ્વરમાં ભાલીયા પટેલ સમાજ દ્વારા પણ વર્ષો જૂની પરંપરાને યથાવત રાખીને જવારા વાવવામાં આવ્યા હતા. નવ દિવસ સુધી વિધિવત પૂજા-અર્ચના કર્યા બાદ દશેરાના દિવસે ભાલીયા પટેલ સમાજ દ્વારા જવારાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ જવારાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ માતાજીના જવારાનું મા નર્મદા નદીમાં વિધિવત વિસર્જન કરવામાં આવ્યું હતું અને સૌના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.અંકલેશ્વરમાં વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા આજે પણ એટલી જ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે જળવાઈ રહી છે.