અંકલેશ્વર ત્રણ રસ્તા શાક માર્કેટના વ્યવસ્થાપનમાં નગરપાલિકા તંત્રની નિષ્ફળતા હવે છતી થતી જોવા મળી રહી છે. એક તરફ વર્ષોથી સ્થાનિક ગામોની મહિલાઓ શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યારે બીજી તરફ તેમને યેનકેન પ્રકારે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. સ્થાનિક શાકવેચાણ કરતી મહિલાઓ સામે ક્યારેક સ્વચ્છતાના નામે તો ક્યારેક અન્ય કારણોસર દંડની કાર્યવાહી કરી નાણાં વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. વિપક્ષ દ્વારા તો પાલિકાના કેટલાક સત્તાધીશો અને રોજમદાર કર્મચારીઓ સામે હપ્તા વસૂલાત જેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
આજે પાલિકા તંત્ર દ્વારા શાક માર્કેટ વિસ્તારમાં શાકભાજી અને ફળની લારીઓ તેમજ પથારા હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ કાર્યવાહી બાદ માત્ર પાંચ જ મિનિટમાં ફરી એ જ સ્થળે લારીઓ અને પથારા ગોઠવાઈ જતા પાલિકાની કાર્યવાહી કેટલી અસરકારક છે તેવો સવાલ ઉઠ્યો છે. બીજી તરફ શાક માર્કેટમાં હજુ સુધી યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં પાલિકા નિષ્ફળ રહી છે. વાહનોની અવ્યવસ્થિત પાર્કિંગને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.વિપક્ષના તમામ આક્ષેપોને નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ રાહુલ વામજાએ ફગાવ્યા હતા અને આ બાબતે પુરાવા રજૂ કરશે તો કાર્યવાહીની ખાતરી આપી હતી.
