ઓક્ટોબર 2026નો મહિનો સિનેમાપ્રેમી દર્શકો માટે અત્યંત ખાસ બની રહેશે. આ મહિનામાં અજય દેવગનથી લઈને આયુષ્માન ખુરાના અને યામી ગૌતમ સહિતના કલાકારો પોતાની શ્રેષ્ઠ ફિલ્મો લઈને આવી રહ્યા છે. બોક્સ ઓફિસ પર ટક્કરની સાથે દર્શકોને થિયેટરોમાં મોટા સરપ્રાઈઝ પણ જોવા મળશે. આ ઓક્ટોબર સસ્પેન્સ, થ્રિલર, એક્શન, રોમાન્સ અને કોમેડીથી ભરપૂર રહેવાનો છે. તહેવારોની આ સિઝનમાં રિલીઝ થનારી તમામ 12 ફિલ્મોની તારીખવાર ક્રમબદ્ધ વિગતો નીચે મુજબ છે.

1. દ્રશ્યમ: ધ કન્ક્લુઝન

 રિલીઝ તારીખ : 2 ઓક્ટોબર, 2026

અજય દેવગન, શ્રિયા સરન અને તબ્બુ હવે ફરી એકવાર સેમ મર્ડર કેસને ઉકેલવા આવી ગયા છે. બીજા ભાગના શાનદાર અંત બાદ હવે આ ત્રીજા ભાગમાં વાર્તા તદ્દન નવો વળાંક લેશે. વિજય સાલગાંવકરનો પરિવાર સેમ મર્ડર કેસમાં દોષિત ઠરે છે કે નિર્દોષ છૂટે છે, તે આ ફાઈનલ પાર્ટમાં જોવા મળશે. 2 ઓક્ટોબર, ગાંધી જયંતીના ખાસ દિવસે આ મોટો ધડાકો થવા જઈ રહ્યો છે અને અજય દેવગન દર્શકો માટે મોટું સરપ્રાઈઝ લઈને આવી રહ્યા છે.

2. પ્રેમ કીટાણુ

રિલીઝ તારીખ : 2 ઓક્ટોબર, 2026

દર્શકો દ્વારા પસંદ કરાયેલી બ્લોકબસ્ટર મલયાલમ ફિલ્મ ‘પ્રેમલુ’ની આ સત્તાવાર હિન્દી રિમેક છે. આ ફિલ્મમાં અપારશક્તિ ખુરાના મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમની સાથે વીર પહારિયા અને રાકેશ બેદી જેવા કલાકારો પણ મહત્ત્વના રોલમાં નજરે પડશે.

3. પૂજા મેરી જાન

રિલીઝ તારીખ : 2 ઓક્ટોબર, 2026

હુમા કુરેશી આ નવી સસ્પેન્સ અને થ્રિલરથી ભરપૂર ફિલ્મમાં જોવા મળશે. જેમાં મૃણાલ ઠાકુર, વિજય રાઝ અને વિક્રમ સિંહ જેવા દમદાર કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 2 ઓક્ટોબરે સિનેમાઘરોમાં દસ્તક આપશે.

4. ઉડતા તીર

રિલીઝ તારીખ : 9 ઓક્ટોબર, 2026

આયુષ્માન ખુરાના ફરી એકવાર તદ્દન અલગ પાત્ર અને વિષય લઈને આવી રહ્યા છે. આ એક સ્પા થ્રિલર હોવાની સાથે સાથે કોમેડી ફિલ્મ છે. ફિલ્મમાં  આયુષ્માનનું પાત્ર એક પાકિસ્તાની એજન્ટનું છે, જે ભારતમાં એક મિશન પર આવે છે પરંતુ તે દરમિયાન પોતાની યાદશક્તિ ગુમાવી બેસે છે. આ રસપ્રદ અને રમૂજી કહાની 9 ઓક્ટોબરે થિયેટરોમાં ધમાલ મચાવશે.

5. પ્રહાર : ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ઉજ્જવલ નિકમ

રિલીઝ તારીખ : 16 ઓક્ટોબર, 2026

મુંબઈ આતંકવાદી હુમલા (26/11)ના આરોપીઓ સામે કેસ લડનારા અને મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટ સમક્ષ પોતાની ધારદાર દલીલો રજૂ કરનારા જાણીતા સરકારી વકીલ ઉજ્જવલ નિકમના વાસ્તવિક જીવન પર આ ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મમાં રાજકુમાર રાવ, વામિકા ગબ્બી, સિકંદર ખેર અને જયદીપ અહલાવત મુખ્ય પાત્રો ભજવી રહ્યા છે.

6. નવી નવેલી

રિલીઝ તારીખ : 16 ઓક્ટોબર, 2026

‘હક’ જેવી ફિલ્મ બાદ હવે અભિનેત્રી યામી ગૌતમ ‘નવી નવેલી’ નામની એક હોરર-કોમેડી ફિલ્મમાં જોવા મળશે.તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મની પ્રથમ ઝલક દર્શકોને ખૂબ પસંદ આવી છે અને હવે તે 16 ઓક્ટોબરે રિલીઝ માટે તૈયાર છે.

7. રફ્તાર

રિલીઝ તારીખ: 16 ઓક્ટોબર, 2026

રાજકુમાર રાવની આ ફિલ્મ એક શિક્ષક અને તેના સપનાઓની સંઘર્ષપૂર્ણ કહાની છે. ફિલ્મમાં કીર્તિ સુરેશ, રજત કપૂર અને તાન્યા માનિકતલા મહત્ત્વના રોલમાં જોવા મળશે. રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મ 16 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

8. દર્શા

રિલીઝ તારીખ : 23 ઓક્ટોબર, 2026

આ એક ભયાનક હોરર ફિલ્મ છે, જેમાં બે ભાઈ-બહેન પોતાના ગામમાં રજાઓ ગાળવા જાય છે. ત્યાં ગામમાં તેમની સાથે એવી રહસ્યમય અને ડરામણી ઘટનાઓ બને છે,જે તેઓ આખી જિંદગી ભૂલી શકતા નથી. ફિલ્મમાં અક્ષય ખડસે અને મુન્ના ગહરવાલ મુખ્ય કલાકારો છે.

9. લિટલ થોમસ

રિલીઝ તારીખ : 23 ઓક્ટોબર, 2026

કૌશલ ઓઝા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં ગુલશન દેવૈયા, રસિકા દુગ્ગલ, હૃદાંશ પારેખ, હૃદાંશ ગોકાણી અને નિનાદ પંડિત મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

10. મૈં ના રહા મેરા

રિલીઝ તારીખ : 23 ઓક્ટોબર, 2026

અમિત કસારિયાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં અધ્યયન સુમન અને દિવિતા રાય લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 23 ઓક્ટોબરે રિલીઝ થવાની છે.

11. પહેલા પ્યાર દૂસરી બાર

રિલીઝ તારીખ : 23 ઓક્ટોબર, 2026

અનુજ સૈનીના દિગ્દર્શન હેઠળ તૈયાર થયેલી આ રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. જેમાં અલીશા ચોપરા, સ્પર્શ વાલિયા, સાક્ષી વૈદ્ય અને કુણાલ વૈદ જેવા નવા કલાકારો નજરે પડશે.’પ્યાર કા પંચનામા’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો બનાવનાર લવ રંજનના પ્રોડક્શન હાઉસ ‘લવ ફિલ્મ્સ’ હેઠળ આ ફિલ્મ પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે.

12. તુમ મેરે હો

રિલીઝ તારીખ : 23 ઓક્ટોબર, 2026

આશિષ પાંડાના દિગ્દર્શનમાં ગુરમીત ચૌધરી અને ઈશા માલવિયાની જોડી આ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મની પ્રથમ ઝલક દર્શકો સામે આવી ચૂકી છે,જેને સારો પ્રતિસાદ મળ્યો છે, અને હવે 23 ઓક્ટોબરે તે સિનેમાઘરોમાં રજૂ થશે.