/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/07/16180818/c32e5f5c-4bff-41ed-84b3-b848afc4f6f9.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના મીરાનગર નજીક આવેલ નાલંદા હાઈસ્કૂલ દ્વારા શાળાના 2400 જેટલા વિદ્યાર્થીઓની છેલ્લા 3 મહિનાની કુલ રૂપિયા 42,12,300 જેટલી ફી માફ કરી વાલીજગતને રાહત આપી છે. ઉપરાંત શિક્ષણ વેપાર નથી તે પહેલમાં નાલંદા હાઈસ્કૂલ જોડાઈ છે.
વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે લોકોના રોજગાર ધંધા પર મોટી અસર થઈ છે. જેના કારણે વાલીજગત માટે શાળાની ફી ભરવી એ ચિંતાનો વિષય બની ગયો હતો. અનેક વાર ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીને પણ વાલી સહિત એનએસયુઆઇ દ્વારા ફી માફી મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. જોકે કેટલીક સેવાભાવી શાળાઓ વિદ્યાર્થીઓ માટે સ્વૈચ્છિક રીતે જ રાહત રૂપી સમાચાર આપવામાં આવ્યા છે.
સૌપ્રથમ ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરની લાયન્સ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની 1 કરોડ 20 લાખ રૂપિયા જેટલી ફી માફ કરવામાં આવી હતી. ત્યાર બાદ અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક આવેલ આદર્શ અંગ્રેજી માધ્યમ શાળા દ્વારા 16,10,000 રૂપિયા માફ કરી નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પણ 3 મહિનાની ફી માફ કરી વાલી જગત માટે રાહત કરી હતી.
જોકે બે શાળા દ્વારા ભરૂચ જિલ્લામાં ફી માફ કરી વાલીજગતને રાહત આપ્યા બાદ અંકલેશ્વરના મીરાનગર નજીક આવેલ બિહાર સંસ્કાર ભારતી સંઘ સંચાલિત નાલંદા હાઈસ્કૂલ દ્વારા પણ વિદ્યાર્થીઓની 3 મહિનાની કુલ રૂપિયા 42,12,300 જેટલી ફી માફ કરી 2400 જેટલા વિદ્યાર્થીના વાલીઓને રાહત કરી આપી છે. આમ હવે ભરૂચ જિલ્લામાં 3 શાળા દ્વારા વિદ્યાર્થીઓની ફી માફ કરી વાલીજગતને મોટી રાહત આપવામાં આવી છે.