અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકના ત્રણ પોલીસ કર્મીઓ રૂપિયા એક લાખની લાંચ લેતા ઝડપાવવાના મામલામાં એસીબી દ્વારા હવે તેમના બેન્ક એકાઉન્ટ અને મિલકતોની પણ તપાસ કરવામાં આવશે.

અંકલેશ્વરના પાનોલીમાં ભ્રષ્ટાચારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચ ACBએ લાંચ લેતા ત્રણ પોલીસકર્મીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.પાનોલી પોલીસ મથકના ઝડપાયેલા પોલીસકર્મીઓમાં અનિરુદ્ધ ધાધલ, સાગર ચાવડા અને જયદીપસિંહ સુખદેવ રમારનો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓને પાનોલી પોલીસ સ્ટેશનમાંથી ભરૂચ ACB પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પ્રોહીબિશનના ગુનામાં ઝડપાયેલા એક બુટલેગરનો મોબાઇલ પરત આપવા માટે આરોપી પોલીસકર્મીઓએ ₹3 લાખની લાંચની માંગણી કરી હતી. જે પૈકી પ્રથમ હપ્તા તરીકે ₹1 લાખ સ્વીકારતી વખતે ભરૂચ ACBએ ટ્રેપ ગોઠવી ત્રણેયને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.આ સમગ્ર મામલે ACB દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન આરોપી પોલીસકર્મીઓની મિલ્કત, બેંક ખાતાં તેમજ તેમના રહેઠાણની પણ તપાસ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.હાલ સમગ્ર ઘટનાએ પોલીસ વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે. ACB દ્વારા કેસની વધુ તપાસ ચાલુ છે.