દિલ્હી મુંબઇ એક્સપ્રેસવે પર અંકલેશ્વરના પીલુદ્રા ગામ નજીક એરફોર્સ કોન્વોયના પાયલોટિંગ દરમિયાન ભરૂચ  ટ્રાફિક પોલીસના સ્ટાફે માનવતા અને ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

ભરૂચ  ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ તથા ડ્રાઇવર ASI કનુભાઈ એરફોર્સ કોન્વોયના પાયલોટિંગની ફરજ પર હતા. તે દરમિયાન અંકલેશ્વરના પીલુદરા ગામ નજીક એક હાયવા ટ્રકનું ટાયર અચાનક ફાટી જતાં ટ્રક પલટી મારી ગઇ હતી. અકસ્માતમાં ટ્રક ડ્રાઇવર ઇજાગ્રસ્ત થયો હતો.

ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસના સ્ટાફે સમય ગુમાવ્યા વિના અકસ્માત સ્થળે પહોંચી ગોલ્ડન પાંચ મિનિટ દરમિયાન ઇજાગ્રસ્ત ડ્રાઇવરને વાહનમાંથી સુરક્ષિત બહાર કાઢ્યો હતો ત્યારબાદ તેને જરૂરી પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.ટ્રાફિક પોલીસની સમયસૂચક કામગીરી અને માનવતાભર્યા અભિગમના કારણે ઇજાગ્રસ્તને ઝડપથી સારવાર મળી શકી હતી. હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ તથા ડ્રાઇવર ASI કનુભાઈની આ કામગીરીએ “પોલીસ પ્રજાનો મિત્ર છે” તે સૂત્રને ફરી એકવાર સાર્થક કર્યું છે.