ગત તારીખ-7મી ડિસેમ્બરના રોજ જલદર્શન સોસાયટીમાં રહેતા અને શક્તિ એન્ટરપ્રાઇઝમાં એકાઉન્ટન્ટ ધવલ ભટ્ટ આર. કે. આંગણીયા પેઢીમાંથી 10 લાખ રૂપિયા લઈને પોતાની કારમાં ઓફિસે જઈ રહ્યા હતા.જી.આઈ.ડી.સી.ઓફિસના ગેટ નજીક બાઇક પર સવાર ત્રણ અજાણ્યા ઇસમોએ તેમની કાર પાસે આવી અકસ્માત થયાનું કહી માથાકૂટ કરી હતી.

આ દરમિયાન તેઓએ ધવલ ભટ્ટની નજર ચૂકવી ડ્રાઇવર સીટ પાસે મૂકેલી 10 લાખ રૂપિયા ભરેલી બેગ ચોરી લીધી હતી અને ફરાર થઈ ગયા હતા.આ ઘટના અંગે જી.આઈ.ડી.સી. પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે અગાઉ આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

આ દરમિયાન ગુનામાં સંડોવાયેલા પાટણ  જિલ્લાના સિદ્ધપુર ખાતે રહેતા સૌરભ મનહર ધવડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.હવે આ કેસમાં અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે અમદાવાદ સેન્ટ્રલ જેલમાં રહેલા લૂંટના મુખ્ય સૂત્રધાર તરીકે તપાસમાં સામે આવેલ કુબેર નગરના રોજનીશ ધર્મેશ ગુમાનેની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી તપાસ હાથ ધરી છે.