રાજકોટના ગોંડલ બાદ હવે અરવલ્લી જિલ્લાના બાયડના ગાબઠ ગામમાં પણ દીપડો રહેણાંક વિસ્તારમાં ઘુસી ગયો હોવાના અહેવાલ સાંપડી રહયાં છે. પાંચ જિલ્લાની વન વિભાગની ટીમો દીપડાને ઝડપી પાડવા તૈનાત કરવામાં આવી છે પણ 40 કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજી દીપડો હાથ લાગ્યો નથી.
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ગાબઠ ગામે દીપડો રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયાના ચાળીસ કલાક પછી પણ સ્થિતિ જૈસે થે જોવા મળી રહી છે. ગાબઠ ગામના સરકારી દવાખાના પાછળના વિસ્તારમાં દીપડો ગઇકાલ સવારે જોવા મળ્યો હતો, જેને કારણે સ્થાનિક લોકોમાં ખૌફ જોવા મળ્યો હતો, એટલું જ નહીં ગઇકાલે એક વ્યક્તિ પર જીવલેણ હુમલો પણ કર્યો હતો.
ઘટનાની જાણ થતાં અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ તેમજ ગીરથી રેસ્ક્યુ ટીમ પણ બોલાવી દેવાઈ છે,, જો કે દીપડાને પકડવામાં વનવિભાગ નાકામ થયું હોય તેવું લાગી રહ્યું છે. ચાળીસ કલાકનો સમય વીતિ જવા છતાં હાથમાં નહિ આવતાં દીપડો વન વિભાગની ટીમને ચકમો આપીને અન્યત્ર પલાયન થઇ ગયો હોવાનું અનુમાન લગાવાય રહયું છે. જો કે વનવિભાગની ટીમ દ્વારા આસપાસના વિસ્તારોમાં સાફસફાઈ તેમજ સર્ચ ઓપરેશન પણ કરવામાં આવી રહ્યું છે,, પણ હજુ દીપડાની કોઇ જ ચોક્કસ સ્થિતિ જાણી શકાઇ નથી.