અરવલ્લી જિલ્લાના મોડાસાના વાંટડા ટોલબુથ તથા ઓફિસમાં અસામાજીક તત્વોએ પથ્થરમારો કરી ભયનો માહોલ ફેલાવ્યો હતો. સમગ્ર ઘટનામાં જીવ બચાવવા માટે ટોલ બુથના કર્મચારીઓ ટેબલ નીચે સંતાય ગયાં હતાં.
રાજયમાં આવેલાં વિવિધ ટોલનાકાઓ ખાતે વાહનચાલકો અને ટોલબુથના કર્મચારીઓ વચ્ચે રકઝક અથવા મારામારીના બનાવો બનતાં રહે છે. આવો જ બનાવ મોડાસા પાસે આવેલાં વાંટડા ટોલનાકા ખાતે બન્યો હતો. ટોલનાકા ખાતે લગાડવામાં આવેલાં સીસીટીવીમાં એક ઘટના કેદ થઇ છે.
જેમાં કેટલાક યુવાનો કોઇ કારણોસર ટોલ બુથ તથા ટોલનાકાની ઓફિસ પર પથ્થરમારો કરી ભારે તોડફોડ કરે છે. અસામાજીકોએ ફેલાવેલા આતંકના કારણે વાહનચાલકોમાં પણ ભય ફેલાયો હતો. પથ્થરમારાથી બચવા માટે કર્મચારીઓ ટેબલ નીચે સંતાઇ ગયાં હતાં. બનાવ સંદર્ભમાં ટોલનાકાના કર્મીઓએ મોડાસા પોલીસ મથકમાં જાણ કરી છે.