• ભરૂચના વૈરાગી વાડ વિસ્તારનો બનાવ

  • શાસકો દ્વારા રોડનું કામ શરૂ કરાયુ

  • કામમાં ગુણવત્તા ન જળવાતી હોવાના આક્ષેપ

  • કોંગ્રેસના નગર સેવકે વિરોધ નોંધાવ્યો

  • ખાતમુહૂર્તમાં પણ ન બોલાવતા વિરોધ

ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ શહેરમાં વિકાસકાર્યોને લઈને રાજકીય તણાવ સામે આવ્યો છે. ભરૂચ નગર સેવા સદનના ફાટા તળાવ, વેરાગીવાડ વિસ્તારમાં સિમેન્ટ કોન્ક્રીટ રસ્તાના કામને લઈને વિવાદ સર્જાયો છે.
ચૂંટણી દરમિયાન અટકેલા રસ્તાના કામને ફરી શરૂ કરવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના નગરસેવક ધનજી ગોહિલ અને પૂર્વ નગરસેવક પ્રવીણ પટેલ દ્વારા શ્રીફળ વધેરી કામની શરૂઆત કરવામાં આવી હતી.જો કે, આ કાર્યક્રમમાં કોંગ્રેસના નગરસેવકોને આમંત્રણ આપવામાં ન આવતાં તેઓમાં અસંતોષ ફેલાયો હતો અને વિવાદ ઊભો થયો હતો.
કોંગ્રેસના પ્રતિનિધિઓએ આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી.કોંગ્રેસ દ્વારા વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ વિસ્તારમાં તાજેતરમાં બનેલા રસ્તા પર તિરાડો જોવા મળી રહી છે, જે કામની ગુણવત્તા પર પ્રશ્નો ઉભા કરે છે. તેમણે કોન્ટ્રાક્ટરને ત્રણ વર્ષની ગેરેન્ટી સાથે ગુણવત્તાસભર કામ કરવાની ચીમકી આપી છે.