ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે પ્રેમિકાને મળવા ગયેલ યુવકને યુવતીના ભાઇઓ માર મારતા હોવાથી તેને છોડાવવા વચ્ચે પડેલ અન્ય યુવકને મુઢ માર મારી ગળુ દબાવી તેની હત્યા કરાય હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, ઝઘડીયા તાલુકાના વખતપુરા ગામે રહેતો સ્વપ્નિલ વસાવાને રાણીપુરા ગામની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાથી આ યુવક ગત શનિવારે રાણીપુરા ગામે લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. ત્યારબાદ સ્વપ્નિલ રાતના અઢી વાગ્યાના અરસામાં તેની પ્રેમિકાને મળવા તેના ઘરના પાછળના વાડામાં ગયો હતો.
તે સમયે સ્વપ્નિલ વસાવાનો રાણીપુરા રહેતો મિત્ર વિપુલ નજીકમાં રોડ ઉપર ઉભો હતો, જ્યાં યુવતીને મળવા આવેલ તેના પ્રેમીને યુવતીના ભાઇઓ જોઇ જતા તેઓ ઝઘડો કરીને સ્વપ્નિલને લાકડીના સપાટા મારવા લાગ્યા હતા. આ જોઇ મિત્ર વિપુલ વસાવા છોડાવવા વચ્ચે પડ્યો હતો. તે દરમિયાન હિતેશ વસાવા અને વિપુલ વસાવાએ છોડાવવા વચ્ચે પડનાર વિપુલ વસાવાને ઢિકાપાટુ તેમજ મુઢ માર મારીને તેનું ગળુ દબાવીને જમીન પર પાડી દીધો હતો.
બનાવની જાણ વિપુલના પિતા રતિલાલ વસાવાને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ વિપુલને ઝઘડીયા સેવા રૂરલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે વિપુલને મરણ પામેલ જાહેર કર્યો હતો. આ ઘટના બાબતે મૃતકના પિતા રતિલાલ વસાવાએ આરોપીઓ હિતેશ વસાવા અને વિપુલ વસાવા વિરુદ્ધ ઝઘડીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના બાદ ગણતરીના કલાકોમાં બન્ને શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
