ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ખરચ ગામ સ્થિત આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીની મેઘના ટી. એસ.એ ધોરણ 12ની CBSE બોર્ડ પરીક્ષામાં 96.6 ટકા ગુણ મેળવી શાનદાર સિદ્ધિ મેળવવા બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આદિત્ય બિરલા ગ્રુપ સંચાલિત આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ-ખરચની વિદ્યાર્થીની મેઘના ટી. એસ.એ ધોરણ 12ની CBSE બોર્ડ પરીક્ષામાં 96.6 ટકા ગુણ મેળવી શાળા, પરિવાર અને સમગ્ર ખરાચનું ગૌરવ વધાર્યું છે. નર્સરીથી ધોરણ 12 સુધીની 15 વર્ષની શૈક્ષણિક સફર દરમિયાન મેઘનાએ મહેનત, દૃઢ નિશ્ચય અને સતત પ્રયત્નોથી આ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે.
બાળપણથી શાંત અને ઓછું બોલવાના સ્વભાવની મેઘનામાં શાળાની વિવિધ શૈક્ષણિક તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, શિક્ષકોના માર્ગદર્શન અને માતા-પિતાના સતત પ્રોત્સાહનથી આત્મવિશ્વાસનો વિકાસ થયો. મેઘનાએ ધોરણ 10ની CBSE બોર્ડ પરીક્ષામાં પણ 91 ટકા ગુણ મેળવ્યા હતા. ત્યારબાદ ધોરણ 11માં તેણે કોમર્સ પ્રવાહ પસંદ કર્યો. માતાથી પ્રેરાઈને તેને એકાઉન્ટન્સી વિષયમાં વિશેષ રસ વિકસ્યો અને ભવિષ્યમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) બનવાનું લક્ષ્ય નક્કી કર્યું.
ધોરણ 12માં શાળાના શિક્ષકોના વધારાના માર્ગદર્શન, સતત પ્રેક્ટિસ તથા માતા-પિતાના સહયોગથી મેઘનાએ આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષાની તૈયારી કરી. તેની મહેનત અને સમર્પણનું પરિણામ 96.6 ટકાના ઉત્કૃષ્ટ પરિણામ સ્વરૂપે મળ્યું. આ શાનદાર શૈક્ષણિક સિદ્ધિ બદલ મેઘનાને ચેરમેન એવોર્ડ, મેરિટ સર્ટિફિકેટ તેમજ રૂ. 1 લાખનું રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવી. આ સિદ્ધિ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ-ખરચ માટે પણ ગૌરવની બાબત બની છે.
હાલમાં મેઘનાએ પોતાના ભવિષ્યના લક્ષ્ય તરફ આગળ વધતા સુરતની પ્રતિષ્ઠિત CA કોચિંગ સંસ્થામાં પ્રવેશ લીધો છે. એકાઉન્ટન્સીના શિક્ષકની સલાહ અને માર્ગદર્શન હેઠળ તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું પોતાનું સ્વપ્ન સાકાર કરવા માટે આગળ વધી રહી છે. મેઘનાની આ સિદ્ધિ તેની મહેનત, શાળાના શિક્ષકોના માર્ગદર્શન તથા માતા-પિતાના સહયોગનું ઉત્તમ પરિણામ છે. તેની સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.
