આજે રક્ષાબંધનનું પર્વ
ભાઇ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક
એક બહેને અનોખી રીતે રક્ષાબંધન ઉજવણી
ભાઈનું હૃદય મેળાવનાર યુવાનને બાંધી રાખડી
પરિવારજનો રહ્યા ઉપસ્થિત
ભરૂચના હાંસોટમાં રક્ષાબંધનના પર્વ પર ભાઈ-બહેનના પ્રેમનો અનોખો કિસ્સો જોવા મળ્યો હતો.દિવંગત ભાઈનું હૃદય મેળવનાર યુવકને બહેને રાખડી બાંધી પર્વની હૃદયસભર ઉજવણી કરી હતી
રક્ષાબંધનના પવિત્ર પર્વ પર સુરતમાં ભાઈ-બહેનના પ્રેમ અને અંગદાનની ભાવનાને ઉજાગર કરતો એક અનોખો અને ભાવુક પ્રસંગ સામે આવ્યો છે. ભરૂચના હાંસોટ તાલુકાના હાજત ગામની એક બહેને પોતાના દિવંગત ભાઈનું હૃદય મેળવનાર યુવકને રાખડી બાંધી ભાઈ-બહેનના સંબંધને નવી ઓળખ આપી છે. 18 માર્ચ 2023ના રોજ 24 વર્ષીય મિકેનિકલ એન્જિનિયર સ્વ. શૈશવ ગિરીશભાઈ પટેલને સુરતની એઈમ્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. પરિવારજનોએ દુઃખની આ ઘડીમાં હિંમત દાખવી શૈશવના હૃદય સહિત ફેફસાં, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરવાનો નિર્ણય લીધો હતો.શૈશવનું હૃદય માર્ચ 2023માં સુરતની મહાવીર હોસ્પિટલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા હાંસોટ તાલુકાના આસરમાજૂના ગામના 22 વર્ષીય રવિરાજ વિક્રમસિંહ મહિડાને મળ્યું હતું. ત્યારથી શૈશવનું હૃદય રવિરાજના શરીરમાં ધબકી રહ્યું છે.રક્ષાબંધનના દિવસે શૈશવની બહેન નિધિ, માતા મનીષાબેન, પિતરાઈ ભાઈ મોહિત અને ડોનેટ લાઈફની ટીમ સાથે રવિરાજના ઘરે પહોંચી હતી. નિધિએ રવિરાજને રાખડી બાંધી ત્યારે વાતાવરણ ભાવુક બની ગયું હતું. એક તરફ ભાઈને ગુમાવવાનું દુઃખ હતું, તો બીજી તરફ પોતાના ભાઈનું હૃદય આજે પણ ધબકી રહ્યું હોવાનો સંતોષ હતો.
