/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/maxresdefault-21.jpg)
સુર્ય નારાયણની ઉપાસનાના વિશેષ પર્વ છઠ્ઠ પૂજાની ભરૂચ શહેર તથા જિલ્લામાં ભકિતસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.
ઉત્તર ભારતમાં છઠ્ઠ પૂજાના પર્વની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ભરૂચ જિલ્લામાં સ્થાયી થયેલા ઉત્તર ભારતીય પરિવારો પણ અહીં તેમના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરતાં આવ્યાં છે. છઠ પૂજા સૂર્યની ઉપાસનાનો તેમજ સૂર્ય દેવતા પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થા વ્યક્ત કરવાનો તહેવાર છે. ભરૂચ શહેર અને જિલ્લામાં હજારો ઉત્તર ભારતીય પરિવારો ધંધા રોજગાર અર્થે સ્થાયી થયા છે અને તેઓ તેમના પરંપરાગત પર્વ છઠ પૂજાની પ્રતિ વર્ષ શ્રદ્ધાભેર ઉજવણી કરે છે.
આ વખતે નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ સારો હોવાથી ઝાડેશ્વર સ્થિત નિલકંઠેશ્વર મહાદેવ મંદિરનાં ઘાટ ખાતે દિનકર સેવા સમિતિ દ્વારા પ્રતિવર્ષની જેમ છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે છઠની સમી સાંજે નર્મદા મૈયાના પાવન નીરમાં પાણીમાં પૂજાપા સાથે ઉભા રહી વ્રત ધારી મહિલાઓ આથમતા સૂર્યને અર્ઘ્ય આપી પતિ અને પરિવાર માટે સુખ શાંતિ અને સમૃધ્ધિની કામના કરી હતી. રવિવારે ઉગતા સુર્યની પૂજા કરાઇ હતી. અંકલેશ્વરમાં વિજયનગર, જનતાનગર, કાપોદ્રા પાટીયા. રાજપીપળા ચોકડી, મીઠા ફેક્ટરી નહેર પાસે તેમજ નર્મદા કિનારે ઉત્તર ભારતી સમાજ દ્વારા વિશેષ પૂજન અર્ચન યોજવામાં આવ્યું હતું.