ભરૂચ જિલ્લામાં સરકારી યોજનાઓનું અમલીકરણ યોગ્ય રીતે થાય અને છેવાડાના નાગરિકો સુધી વહીવટી તંત્રની સેવાઓ પહોંચે તે હેતુથી જિલ્લા કલેક્ટર ડો.નવનાથ ગવ્હાણે દ્વારા ઝઘડિયા તાલુકાના અંતરિયાળ એવા ખાલક ગામની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રામ પંચાયતની મુલાકાત લઈ સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો.
જિલ્લા કલેક્ટરે ખાલક ગ્રામ પંચાયતની મુલાકાત લઈને પંચાયતના સામાન્ય દફતરની તપાસણી કરી હતી. ત્યારબાદ તેમણે ગામના સ્થાનિક નાગરિકો અને આગેવાનો સાથે બેઠક યોજી, કલેક્ટરે ગ્રામજનોના પ્રશ્નો અને રજૂઆતોને ખૂબ જ આત્મીયતાથી સાંભળ્યા હતા અને તેના ઝડપી નિરાકરણ માટે હાજર સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
આ મુલાકાતના અંતે, ગામની પ્રાથમિક શાળાની પણ પ્રત્યક્ષ મુલાકાત લઈને શાળાની શૈક્ષણિક અને અન્ય વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરની તપાસ કરવામાં આવી હતી. કલેક્ટરે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધીને તેમની સામાન્ય જ્ઞાન અને અભ્યાસ પ્રગતિની સમીક્ષા કરી હતી,તેમજ શાળાના શિક્ષકોને શિક્ષણનું સ્તર વધુ સુદ્રઢ બનાવવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત શાળામાં પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા મધ્યાહન ભોજનની ગુણવત્તાની પ્રત્યક્ષ ચકાસણી કરવા તેમણે શાળામાં ભોજન લીધું હતું. ભોજન બનાવવાની જગ્યાની સ્વચ્છતા, વપરાતી સામગ્રી અને પૌષ્ટિકતાના ધોરણોની આકસ્મિક તપાસ કરી બાળકોને ગુણવત્તાસભર ભોજન મળી રહે તે અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.
