ભરૂચ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું સુંદર આયોજન

હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે 2 દિવસીય શસ્ત્ર પ્રદર્શનનું આયોજન

ડીવાયએસપીના હસ્તે પોલીસ શસ્ત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન કરાયું

પોલીસના વિવિધ શસ્ત્રો-સાધનોને પ્રદર્શનમાં મુકવામાં આવ્યા

ડોગ સ્ક્વોડ-હોર્સ રાઇડિંગના નિદર્શનથી વિદ્યાર્થીઓ ઉત્સાહિત

ભરૂચ પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે 2 દિવસીય શસ્ત્ર પ્રદર્શનને ખુલ્લુ મુકવામાં આવ્યું છે. સુરક્ષા તથા કાયદો-વ્યવસ્થાની કામગીરીના ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્રો અને સાધનોને પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે.

ભરૂચ પોલીસ વિભાગ દ્વારા કાળી તલાવડી સ્થિત પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે 2 દિવસીય શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે પોલીસ હેડક્વાર્ટર ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ આ શસ્ત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓને પોલીસ વિભાગમાં ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્રો અંગે જાણકારી મેળવવાની તક મળી હતી. આ ઉપરાંત, પોલીસ ડોગ સ્ક્વોડ દ્વારા કરવામાં આવતી કામગીરી અને હોર્સ રાઇડિંગનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું, જેને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક નિહાળ્યું હતું. આ પ્રકારના પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને નાગરિકોને પોલીસ વિભાગની કામગીરી, સુરક્ષા વ્યવસ્થા તેમજ કાયદો-વ્યવસ્થા જાળવવામાં ઉપયોગમાં લેવાતાં સાધનો અંગે માહિતગાર કરવાનો છે.

ભરૂચ પોલીસ વિભાગ દ્વારા આ પ્રદર્શન તા. 24 અને 25 ઓક્ટોબર-2026 એમ 2 દિવસ માટે યોજવામાં આવ્યું છે, ત્યારે શહેરના નાગરિકોને પણ આ પ્રદર્શનની મુલાકાત લઈ પોલીસની કામગીરી, સુરક્ષા વ્યવસ્થા અને આધુનિક ટેકનોલોજી વિશે જાણકારી મેળવવાની આ તકનો લાભ લેવા પોલીસ વિભાગ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે. આ પ્રસંગે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ડીવાયએસપી એમ.એમ.ગાંગુલી સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં વિવિધ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.