ભરૂચના વિકાસ કાર્યો ને બ્રેક લાગતા પાલિકા અને તંત્ર ને જગાડવાના આશય સાથે જાગૃત સિનિયર સિટીઝને પાંચબત્તી સર્કલ પાસે સીટી વગાડી અનોખુ વિરોધ પ્રદર્શન કરતા લોકોમાં પણ કુતુહલ સર્જાયું હતું. ભરૂચના સિનિયર સિટીઝન અને નિવૃત સરકારી અધિકારી બીપીનચન્દ્ર જગદીશવાલા છેલ્લા બે વર્ષથી નગરપાલિકા સામે ભ્રષ્ટાચાર સહિત વિવિધ મુદ્દે આંદોલન છેડવા સાથે ઉપવાસ આંદોલન પણ કરી ચુક્યા છે.

આ જાગૃત નાગરીકે પુનઃ પોતાના અનોખા અંદાજમાં માથે જોકરની ટોપી,શરીર પર બેનર અને સીટી વગાડી મુખ્ય રસ્તા પર ઉભા રહી નગરપાલીકાની કાર્યશૈલી સામે વિરોધ કર્યો હતો.તેઓએ આક્ષેપ કર્યા હતા કે કોન્ટ્રાક્ટરને ૧૩ લાખ રૂપિયા આપ્યા બાદ પણ સેવાશ્રમ રોડનું કામ શરૂ કરાયું નથી.તેથી દર ચોમાસે પાંચબતીથી સેવાશ્રમ રોડ પર પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી .નગરપાલિકા પ્રજાની સમસ્યાઓના નિવારણ માટે નિષ્ફળ નીવડી હોવાનું જણાવી તેઓએ અનોખુ વિરોધ પ્રદર્શન કરી પ્રજા અને તંત્રને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.