દેશની આઝાદીની લડતમાં સિંહફાળો આપનાર ભરૂચના સ્વાતંત્ર્ય સેનાની કૃષ્ણકાંત મજબુદાર 92 વર્ષની જૈફ વયે અવસાન પામ્યા છે, ત્યારે તેઓના પાર્થિવ દેહના અંતિમ દર્શન બાદ નીકળેલી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
દેશમાંથી અંગ્રેજોને ભગાડવા, દેશને ગુલામીમાંથી મુક્તિ અપાવવી અને દેશબાંધવોને તેમના સ્વતંત્ર્ય દેશમાં જીવવાનો હક અપાવવો આ એકમાત્ર ધ્યેય સાથે આપણા દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ મેદાનમાં કુદી પડ્યા હતા. અંગ્રેજોની લાકડીઓ ખાધી, ઉપવાસ કર્યા, જેલવાસ ભોગવ્યો, ઘર-સંસારની ચિંતા છોડી દેશ માટે લડ્યા તેવા ભરૂચ જિલ્લાના ગૌરવ સમાન વિભૂતિ તેમજ સ્વાતંત્ર્ય સેનાની કૃષ્ણકાંત મજબુદારનું ગતરોજ અવસાન થતા લોકોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
સ્વાતંત્ર્ય સેનાની કૃષ્ણકાંત મજબુદારના અવસાન થતા તેઓનો પાર્થિવદેહ ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ બસંત ટોકીઝ કમ્પાઉન્ડ ખાતે દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ દશાશ્વમેઘ ધાટ ખાતે સદગતની અંતિમ યાત્રા સન્માનપૂર્વક લઈ જવામાં આવી હતી. આ અંતિમ યાત્રામાં સ્વાતંત્ર્ય સેનાની કૃષ્ણકાંત મજબુદારના કુટુંબીજનો સહિત મોટી સંખ્યામાં ભરૂચ શહેરના લોકો જોડાયા હતા, જ્યાં સદગતની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.