ભાવનગરમાં સામે આવેલા ચકચારી નકલી દારૂ એટલે કે લઠ્ઠાકાંડ મામલે રાજકીય અને કાનૂની ગરમાવો વધી ગયો છે. આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે શાસક પક્ષ ભાજપ પર સીધા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે રાજ્યમાં દારૂ, જુગાર અને અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવનારાઓ ચૂંટણીમાં મદદ કરે છે,અને ભંડોળ પૂરું પાડે છે. શક્તિસિંહ ગોહિલે સવાલ ઉઠાવ્યો હતો કે પ્રથમ મૃત્યુ પામેલા નરેન્દ્રસિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ કર્યા વગર સોંપવાની સૂચના કોણે આપી હતી?

વધુમાં તેમણે ઉમેર્યું કે મુખ્ય સૂત્રધાર મધ્યપ્રદેશથી આવ્યો હોવા છતાં IB ને જાણ કેમ ન થઈ અને ગુપ્તચર સંસ્થાનો ઉપયોગ માત્ર વિરોધ પક્ષો પાછળ રાખવા માટે જ થઈ રહ્યો છે. આ તમામ મામલે નેતાઓએ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામા આપવા જોઈએ તેવી માંગ સાથે તેમણે પીડિત પરિવારોને સાંત્વના પાઠવી હતી અને જાહેરાત કરી હતી કે પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં ભાવનગરની મુલાકાત લેશે.

બીજી તરફ, આ કાંડમાં કાનૂની શિકંજો પણ મજબૂત કરવામાં આવ્યો છે.સ્ટેટ મોનિટરિંગ સેલના વડાની હાજરીમાં ઝડપાયેલા તમામ 13 આરોપીઓને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા.પોલીસ દ્વારા આ આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેની સામે અદાલતે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ મામલે સ્થાનિક વકીલ મંડળ દ્વારા પણ આકરો રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. ભાવનગરના ત્રણેય બાર એસોસિએશને સામુહિક ભેગા મળીને એકસૂરે નિર્ણય કર્યો છે કે લઠ્ઠાકાંડના આરોપીઓ તરફથી કોઈ પણ વકીલ કેસ નહીં લડે. હાલ પોલીસ રિમાન્ડ દરમિયાન આ ઘટના પાછળના મુખ્ય સૂત્રધારો અને સમગ્ર નેટવર્કને ખુલ્લું પાડવા માટે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.