રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગર જિલ્લાના વરતેજ ખાતેથી સુજલામ-સુફલામ જળ અભિયાનના પાંચમા ચરણનો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, સુજલામ-સુફલામ જળ અભિયાનએ ધરતીને નવપલ્લવિત કરવા સાથે ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરવાનું જન અભિયાન છે.સુજલામ- સુફલામ જળ અભિયાન હેઠળ છેલ્લાં ચાર વર્ષમાં મળેલ સફળતાને આગળ ધપાવતા ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે,
તેની વિગતો આપતાં તેમણે જણાવ્યું કે, આવનારી ભવિષ્યની પેઢીને પાણીથી સભર બનાવવા માટેનું આ જળ અભિયાન છે. પાણીનું જળ ચક્ર વિક્ષેપિત થવાને કારણે આજે વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી સમસ્યાઓ ઉદભવી છે. આ પાણીના ચક્રને ફરીથી સુનિયોજિત કરવા માટે આ અભિયાન ખૂબ જ ઉપયોગી બની રહ્યું છે. પ્રભુના પ્રસાદ રૂપે ધરતી પર પડેલું પાણી દરિયામાં વહી ન જાય અને તેનો અટકાવ કરી સંગ્રહ થાય તે માટે આ અભિયાન અંતર્ગત વ્યાપક પ્રમાણમાં નદી-નાળાની સફાઈ સહિતના કાર્યો હાથ ધરવામાં આવે છે.
આ વર્ષે આ માટે રાજ્યમાં રૂ. ૫૦૦ કરોડ આ માટે ફાળવવામાં આવ્યાં છે, જ્યારે ભાવનગર માટે ૧૭ કરોડનો ખર્ચ આ અભિયાન માટે થનાર છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોક વિકાસના કાર્યો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. આ ગ્રાન્ટનો ઉપયોગ કરીને સરપંચને સમાજમાં જશ મળે છે. ભાવનગર જિલ્લામાં સૌની યોજનાથી શેત્રુંજી ડેમ, રંઘોળા ડેમ, અને બોર તળાવ પાણીથી છલોછલ ભરાયેલા રહે છે, તેની વિગતો તેમણે આપી હતી.
ભૂતકાળમાં કહેવામાં આવતું હતું કે, ભુંગળામાંથી હવા આવશે પરંતુ અત્યારે નર્મદાના નીર ખડખડ કરતા વધી રહ્યાં છે, તેમ જણાવી તેમણે છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યમાં ૫૦,૪૫૩ કિ.મી.ના નદી-નાળાના સફાઈ કાર્યો હાથ ધરી નદી-નાળા પાણીથી છલોછલ કર્યા છે. ભાવનગર જિલ્લામાં સુજલામ-સુફલામ જળ અભિયાન હેઠળ જળ સંચય અને જળ સંગ્રહના વિવિધ કામો હાથ ધરવામાં આવનાર છે. જેનાં પાછલાં વર્ષોમાં ખૂબ સારા અને સકારાત્મક પરિણામો મળ્યાં છે. જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા આ વિરાટ અભિયાનની સફળતાની તેમણે શુભકામના પાઠવી હતી.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170