કોરોનાના કાળરૂપી ચક્રમાં મેળાવડા અને પ્રસંગો બંધ રહેતા લોકોના રોજગાર ધંધા બંધ થયા છે, ત્યારે ભાવનગર સર્વિસ પ્રોવાઇડર એસોશિયેશન દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી અનલોક-4માં સરકારના નિયમો અનુસાર વ્યવસાય શરૂ કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી.
કોરોનાના કાળમાં મેળાવડા અને પ્રસંગો બંધ રહેતા છેલ્લા 5 માસથી લોકોના રોજગાર બંધ થયા છે. જેમાં મંડપ સર્વિસ, લાઈટ અને માઇક સર્વિસ, ફ્લાવર્સ ડેકોરેશન વગેરે ધંધાર્થીઓને ખૂબ મોટું નુકશાન થયું છે, ત્યારે અનલોક-4માં સરકારના દિશા નિર્દેશ મુજબ કામ કરવાની તૈયારી સાથે અધિક કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.
દેશભરમાં કોરોના કાળ તમામ લોકો માટે કપરો સાબિત થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સરકાર દ્વારા તમામ ધંધા રોજગાર બંધ કરી દેવામાં આવ્યા હતા, ત્યારે મેળાવડા અને ધાર્મિક કે, સામાજિક પ્રસંગોને પણ પ્રતિબંધિત કરાતા માઇક અને લાઈટ સર્વિસ, કલાકારો, કેટરિંગ સર્વિસ, ફોટો અને વિડીયોગ્રાફર સહિતના સર્વિસ પ્રોવાઇડરો બેકાર બન્યા છે, ત્યારે અનલોક-4માં આંશિક છૂટછાટ મળવાના કારણે છેલ્લા 5 માસથી ધંધા રોજગાર વગર કંટાળેલા તમામ સર્વિસ પ્રોવાઇડર એસોશિયેશનના લોકોએ મોતીબાગ ખાતે એકત્ર થઈ પોતાના ધંધા રોજગારને પુનઃ ધમધમતા થાય તેમજ સરકારના તમામ નીતિ નિયમોના પાલન સહિત ફરી કામકાજ શરૂ કરાવવા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત સાથે આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.