ભાવનગરમાં બેકાબૂ એસટી. બસની અડફેટે માતા-પુત્રીનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે ઈજાગ્રસ્ત એક વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ભાવનગર એસટી. બસ સ્ટેન્ડ બહાર નીકળતા જ એસટી. બસ 3 લોકો પર ફરી વળતાં કરુણાંતિકા સર્જાય હતી. ભાવનગર-બાખલકા રૂટની બસ ડેપોમાંથી બહાર નીકળી રહી હતી, ત્યારે બસના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે બસ ભરૂચા ક્લબની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, દીવાલ કાટમાળમાં ફેરવાઈ હતી. જોકે, આ સમયે દીવાલ નજીક ફૂટપાથ પર બેસેલા 3 લોકોને એસટી. બસે અડફેટે લીધા હતા. જેમાં ભાવનગરના રામધરી-સણોસરા ગામના 28 વર્ષીય લલિતાબેન પરમાર અને તેમની 7 વર્ષીય પુત્રી સોનિયા પરમારનું કરૂણ મોત નિપજ્યું હતું, જ્યારે ઠોંડા ગામના એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં એક સાથે માતા-પુત્રીનું મોત નિપજતા હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોનું આક્રંદ જોવા મળ્યું હતું. સમગ્ર અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. તો બીજી તરફ, અકસ્માત સર્જનાર બસ ચાલક વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
